મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે ‘ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેર’નો પ્રારંભ કરાવ્યો હતો. આ ફેર ગુજરાત સહિત દેશભરના પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે એક મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યો છે.
2026 ‘પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવાશે, ટૂરિઝમ ઈકોસિસ્ટમને મળશે વેગ
ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી યોજાતો આ પ્રતિષ્ઠિત ફેર રાજ્યની ટૂરિઝમ ઈકોસિસ્ટમને વેગ આપવામાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે. આ એક બિઝનેસ ટુ બિઝનેસ ટ્રાવેલ ટ્રેડ એક્ઝિબિશન છે, જે પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવા, વ્યવસાયિક સહભાગીતાને વેગ આપવા અને ટુરિઝમ સેક્ટરના સ્ટેક હોલ્ડર્સને એકબીજા સાથે જોડવાનું સશક્ત માધ્યમ બન્યો છે. રાજ્ય સરકારે વર્ષ 2026 ને ‘પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે, ત્યારે આ ફેર રાજ્યના પ્રવાસન વિકાસની તકોને વિશ્વ સમક્ષ વધુ પ્રભાવક રીતે રજૂ કરવામાં મદદરૂપ બનશે.
900 થી વધુ એક્ઝિબિટર્સની સહભાગીતા, ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ નો વિચાર સાકાર
ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેર 2026 ની આ એડિશનમાં 900 થી વધુ એક્ઝિબિટર્સ તેમજ ભારતના જુદા-જુદા રાજ્યોના પ્રવાસન વિભાગો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવાની સાથે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ નો જે વિચાર આપ્યો છે, તેને આ TTF ખરા અર્થમાં સાકાર કરી રહ્યો છે.
ગોવા અને ઉત્તરાખંડના મંત્રીઓની ઉપસ્થિતિ, મહાનુભાવોએ લીધી મુલાકાત
આ ઉદ્ઘાટન સમારોહમાં ગોવાના પ્રવાસન મંત્રી રોહન ખાઉંટે તથા ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ એક્ઝિબિશનમાં ઊભા કરાયેલા ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને ગોવા સહિતના વિવિધ રાજ્યોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. તેમણે સ્ટોલ ધારકો સાથે વાતચીત કરીને સંબંધિત રાજ્યોની પ્રવાસન પ્રોત્સાહન યોજનાઓ વિશે પણ વિસ્તૃત માહિતી મેળવી હતી.