ઓગસ્ટ 10, 2026 6:09 પી એમ(PM)

printer

CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો, ‘હર ઘર તિરંગા’ને ‘હર દિલ તિરંગા’ બનાવવા આહ્વાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે વિશાળ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રામાં તેમણે નાગરિકોને ‘હર ઘર તિરંગા’ અભિયાનને ‘હર દિલ તિરંગા’નું જન આંદોલન બનાવવા માટે આહવાન કર્યું હતું.

2.4 કિલોમીટર લાંબી દેશભક્તિ સભર યાત્રા

ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ તિરંગા યાત્રા ગ-6 સર્કલથી શરૂ થઈને અક્ષરધામ મંદિર સુધીના 2.4 કિલોમીટરના રૂટ પર યોજાઈ હતી. જેમાં વિશાળ સંખ્યામાં તિરંગા સાથે નાગરિકો ઉમટી પડ્યા હતા. યાત્રાના રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ બેન્ડ અને નાસિક ઢોલ દ્વારા દેશભક્તિનો માહોલ સર્જવામાં આવ્યો હતો. ખાસ કરીને, પોલીસ વિભાગના જવાનો દ્વારા રજૂ કરાયેલો ‘ડેરડેવિલ્સ શો’ સૌના માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આઝાદીના લડવૈયાઓનું ગૌરવગાન

તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાઓનું બલિદાન ચિરંજીવ રાખવા દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ થયું છે. તેમણે ઉમેર્યું કે આ યાત્રા દેશની એકતા અને અખંડિતતાની યાત્રા છે. હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ સાથે જોડાવાથી ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’નો વિચાર સાકાર થાય છે.

વિકસિત ભારત 2047 માટે પ્રતિબદ્ધ થવા અનુરોધ

મુખ્યમંત્રીએ યુવા પેઢીને રાષ્ટ્ર પ્રથમની ભાવના કેળવવાનો સંદેશ આપતા કહ્યું કે આજની પેઢી આઝાદીના લડવૈયાઓના ત્યાગ અને બલિદાનને જાણે તે આ યાત્રાનો મુખ્ય હેતુ છે. તેમણે વધુમાં જણાવ્યું કે વિકસિત ભારત 2047 માટે આપણે સૌએ અત્યારથી જ કર્તવ્યબદ્ધ થવાનું છે અને ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજિત કરવાની છે.

તિરંગો આપણા રાષ્ટ્રીય ગૌરવનું અમર પ્રતીક: મેયર

ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ માત્ર ત્રણ રંગોનું કાપડ નથી, પરંતુ તે આપણા રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને અપ્રતિમ શૌર્યનું અમર પ્રતીક છે. આ ઐતિહાસિક તિરંગા યાત્રા દ્વારા સૌને ‘રાષ્ટ્ર પ્રથમ’ના પવિત્ર સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ યાત્રામાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, મુખ્ય સચિવ એમ.કે. દાસ, વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, ધારાસભ્યો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.