છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની સરકારી ગાડીને દેવલીયા ગામ પાસે અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે.આ અકસ્માતમાં સદનસીબે કલેક્ટર ગાર્ગી જૈનનો આબાદ બચાવ થયો છે, જ્યારે કાર ચલાવી રહેલા તેમના ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બોડેલી ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા જતી વખતે બની ઘટના
અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પોતાના નિર્ધારિત સમયપત્રક મુજબ બોડેલી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. તેઓ છોટાઉદેપુરથી બોડેલી તરફ પોતાની સરકારી કારમાં પ્રવાસ કરી રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં દેવલીયા પાસે અચાનક તેમની ગાડીને આ અકસ્માત નડ્યો હતો.
કલેક્ટરનો આબાદ બચાવ, ઈજાગ્રસ્ત ડ્રાઈવર હોસ્પિટલમાં દાખલ
દેવલીયા પાસે સર્જાયેલા આ અકસ્માતમાં સદનસીબે કલેક્ટર ગાર્ગી જૈનને કોઈ ગંભીર ઈજાઓ પહોંચી ન હતી અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા.જોકે, અકસ્માતની તીવ્રતાના કારણે કારનું સ્ટેયરિંગ સંભાળી રહેલા કલેક્ટરના ડ્રાઇવરને ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસ કાફલો ઘટનાસ્થળે, અકસ્માતના કારણો અંગે તપાસ શરૂ
જિલ્લાના ઉચ્ચ અધિકારીની કારને અકસ્માત નડ્યો હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિક પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ અકસ્માત કયા સંજોગોમાં અને કેવી રીતે સર્જાયો, તેમજ તેમાં અન્ય કોઈ વાહનની ટક્કર હતી કે કેમ તે તમામ દિશામાં પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.