કેન્દ્ર સરકારે પેટ્રોલ નિકાસ પરની વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યુટી પાછી ખેંચી લીધી છે, જ્યારે ડીઝલ અને ઉડ્ડયન ઈંધણ ATF પર નિકાસ શુલ્કમાં વધારો કર્યો છે.
નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, સુધારેલા દરો હેઠળ, પેટ્રોલ નિકાસ પર કોઈ નિકાસ શુલ્ક લાગુ પડશે નહીં, જે અગાઉ પ્રતિ લિટર બે રૂપિયા 50 પૈસા હતો. ડીઝલ પર નિકાસ શુલ્ક આઠ રૂપિયા 50 પૈસાથી વધારીને 11 રૂપિયા 50 પૈસા કરવામાં આવ્યો છે જ્યારે ATF પર શુલ્ક 10 રૂપિયા 50 પૈસાથી વધારીને 11 રૂપિયા પ્રતિ લિટર કરાયો છે.
આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં વધઘટના પ્રતિભાવમાં સરકાર ઇંધણ નિકાસ શુલ્કની પખવાડિયે સમીક્ષા ચાલુ રાખતી હોવાથી સુધારેલા દરો આવ્યા છે.