દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાય દુબઈની ફ્લાઈટને હવામાં જ દુર્ઘટનાગ્રસ્ત થતા બચાવનાર મૂળ ભારતીય કેપ્ટન સ્મિથ મછાર હાલ ઈજાગ્રસ્ત અવસ્થામાં સારવાર હેઠળ છે. તેમની અસાધારણ બહાદુરીને સલામ કરતા અને તેમની તબિયતમાં ઝડપથી સુધારો આવે તે માટે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામો સોમનાથ, અંબાજી અને ચોટીલામાં વિશેષ પૂજા અને મહાપ્રાર્થનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સોમનાથ મંદિરે મહામૃત્યુંજય મંત્ર જાપ અને મહાપૂજા
કેપ્ટન સ્મિથ મછારના દીર્ઘાયુ અને ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરે વિશેષ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિથી વિશેષ ‘મહામૃત્યુંજય મંત્ર જાપ વિધિ’ પણ શરૂ કરવામાં આવી છે, જેથી આ શૂરવીર કેપ્ટનને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય અને તેઓ વહેલી તકે સાજા થઈ શકે.
અંબાજી અને ચોટીલા મંદિરમાં પણ કરાઈ મહાપ્રાર્થના
બીજી તરફ શક્તિપીઠ અંબાજી ખાતે પણ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરના પવિત્ર ચાચર ચોકમાં માતાજીના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રાર્થનામાં અંબાજી મંદિર સંકુલનો સ્ટાફ, અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપકો, ઋષિકુમારો તથા પૂજારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત, સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા સ્થિત ચામુંડા માતાજીના મંદિરે પણ વિશેષ પૂજા, અર્ચના અને મહાપ્રાર્થના યોજવામાં આવી હતી.
ફ્લાઈટને ક્રેશ થતા બચાવવાના સંઘર્ષમાં ઈજાગ્રસ્ત થયા હતા કેપ્ટન
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાય દુબઈની ફ્લાઇટમાં સહ-પાયલટે અચાનક વિમાનને દુર્ઘટનાગ્રસ્ત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ અત્યંત કટોકટીની પળોમાં મૂળ ભારતીય નાગરિક એવા કેપ્ટન સ્મિથ મછારે પોતાની સૂઝબૂઝ વાપરીને તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો. તેમણે પોતાના જીવના જોખમે વિમાન પર કાબૂ મેળવીને મધ્ય-હવાઈ દુર્ઘટનાને અટકાવીને અસાધારણ બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું.