પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આવતીકાલથી શરૂ થઈ રહેલી 18 મી બ્રિક્સ સમિટ માટે વિશ્વભરના નેતાઓ નવી દિલ્હી આવી રહ્યા છે. વૈશ્વિક કલ્યાણના ઉદ્દેશ સાથે યોજાઇ રહેલા આ સંમેલનમાં વિવિધ મુદ્દાઓ પર સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે, તેવો વિશ્વાસ શ્રી મોદીએ વ્યક્ત કર્યો.
ભારત મંડપમ ખાતે યોજાનારી બે દિવસીય સમિટમાં અગિયાર મુખ્ય ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ એક સાથે આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સહિત વિશ્વના નેતાઓ આ સમિટમાં ભાગ લેશે.
બ્રિક્સ સમિટ પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી આજે સાંજે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાતચીત કરશે. શ્રી મોદી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને પણ મળશે.