બ્રિક્સ દેશોએ ટૅરિફ અને નૉન-ટૅરિફ અડચણો સહિત એકતરફી વેપાર અને આર્થિક ઉપાયો લાગૂ કરવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. સભ્ય દેશોએ જણાવ્યું, તેનાથી વેપારને અસર થઈ રહી છે અને તે વિશ્વ વૈપાર સંગઠન – W.T.O.ના નિયમો અનુસાર નથી. તેમણે W.T.O.ને કેન્દ્રમાં રાખી સ્વતંત્ર, પારદર્શક અને નિયમ આધારિત બહુપક્ષીય વેપાર વ્યવસ્થા પ્રત્યે સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.
ભારતની બ્રિક્સ અધ્યક્ષતામાં મુંબઈમાં ગઈકાલે બ્રિક્સ નાણાકીય મંત્રીઓ અને કેન્દ્રીય બૅન્ક ગવર્નરોની અંતિમ બેઠક બાદ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં આ વાત કહેવામાં આવી. મંત્રીઓ અને કેન્દ્રીય બૅન્ક ગવર્નરોએ કહ્યુ, ભૂ-રાજકીય તણાવ, વેપાર વિક્ષેપો, સંરક્ષણવાદ, નીતિ અનિશ્ચિતતા, રાજકોષીય અને ફુગાવા સંબંધિત દબાણ, વધતા દેવા તથા નાણાકીય જોખમોના કારણે વૈશ્વિક અર્થતંત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે. તેની સૌથી વધુ અસર ઉભરતા અને વિકાસશીલ અર્થતંત્ર પર થઈ રહ્યો છે. આ ઉપરાંત બ્રિક્સ અર્થતંત્રોમાં મજબૂતી જોવા મળી છે અને સ્થિર, સતત, સમાવેશી અને સંતુલિત વૈશ્વિક વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહી છે. બ્રિક્સ દેશોએ આર્થિક અને આર્થિક સહકાર મજબૂત કરવા તથા વૈશ્વિક પડકારોને પહોંચી વળવા વિકાસ માટેનું ધિરાણ, રોકાણ અને બહુપક્ષીય સહકાર વધારવા પર ભાર આપ્યો.
બ્રિક્સે પૅરિસ સમજૂતી કરાર પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને કર સહકાર મજબૂત કરવા પર ભાર આપ્યો. દેશોએ વધુ આત્મનિર્ભર બ્રિક્સ વીમા વ્યવસ્થા વધારવા અને સાયબર સુરક્ષા ક્ષેત્રમાં સહકાર વધારવા આહ્વાન કર્યું. નાણાકીય ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તા – A.I. અને ક્વાન્ટમ કમ્પ્યૂટિંગથી ઉપલબ્ધ થનારી તક અને જોખમોને રેખાંકિત કરતા તેને જવાબદાર અને નૈતિક ઉપયોગ પર પણ ભાર આપ્યો.
આ વર્ષે બ્રિક્સની વિષયવસ્તુ “સ્થિતિસ્થાપક, નવિનતા, સહકાર અને સ્થિરતા માટે નિર્માણ” અંતર્ગત સભ્ય દેશોએ વૈશ્વિક આર્થિક મજબૂત વધારવા, રોકાણ અને વિકાસને જાળવી રાખવા તથા મુક્ત અને સમાવેશી વૈશ્વિક આર્થિક વાતાવરણને યથાવત્ રાખવા માટે સામૂહિક પ્રયાસ તેજ કરવા પર સંમતિ દર્શાવી. તેને હાંસલ કરવા માટે બ્રિક્સ દેશોએ વિકાસ માટેનું ધિરાણ એકત્રિત કરવા, આંતરરાષ્ટ્રીય નાણાકીય સહકાર મજબૂત કરવા, માળખાકીય સુવિધાઓ અને ઉત્પાદક રોકાણને પ્રોત્સાહન આપવા તથા વેપાર, નવિનતા અને ટેક્નોલૉજીના યોગ્ય ઉપયોગની જરૂરિયાત પર ભાર આપ્યો. તેમાં વિકાસશીલ અર્થતંત્રોની જરૂરિયાતો પર વિશેષ ધ્યાન આપવાની પણ વાત કહેવામાં આવી છે.
વૈશ્વિક વેપાર અને નાણાકીય ક્ષેત્રમાં વધતા વિભાજન વચ્ચે બ્રિક્સના આર્થિક સંકલનને મજબૂત કરવાના પ્રયાસ વચ્ચે આ નિવેદન આવ્યું છે. વિસ્તૃત બ્રિક્સ સમૂહ ઉભરતા અને વિકાસશીલ અર્થતંત્રો વચ્ચે સહકાર માટે એક મહત્વના મંચ તરીકે પોતાની ભૂમિકા મજબૂત કરી રહ્યું છે.