ઓગસ્ટ 22, 2026 3:01 પી એમ(PM)

printer

બોટાદના સાલૈયા ગામેથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો

બોટાદ જિલ્લાના સાલૈયા ગામમાં કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા એક બોગસ ડોક્ટરને બોટાદ SOG પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે ક્લિનિક પર દરોડો પાડી મેડિકલ સાધનો અને દવાઓ સહિત કુલ 21,561 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે SOG પોલીસનો સપાટો

બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે SOG પોલીસ સતત કાર્યરત છે. આ ઝુંબેશ અંતર્ગત SOG PI પી. જી. ડાવરા અને તેમની ટીમના દિલીપસિંહ ટાંક તથા જે. જી. ધાધલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે સાલૈયા ગામે એક શખ્સ કોઈપણ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મેડિકલ ઓફિસરને સાથે રાખીને સાલૈયા ગામે અચાનક દરોડો પાડ્યો હતો.

રામજી મંદિર પાસે ચાલતું હતું ગેરકાયદે ક્લિનિક

પોલીસે બાતમીવાળા સ્થળે એટલે કે સાલૈયા ગામે રામજી મંદિરની બાજુમાં આવેલા કરમશીભાઈ શાર્દુલભાઈ જમોડના ભાડાના મકાનમાં તપાસ કરતા વિજયભારતી ગણપતભારતી ગોસ્વામી (મૂળ રહે. ગોરડકા) નામનો શખ્સ મળી આવ્યો હતો. સઘન પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું હતું કે વિજયભારતી ગોસ્વામી પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેની કોઈપણ પ્રકારની માન્ય ડિગ્રી ન હતી. તેમ છતાં તે પોતાની જાતને તબીબ તરીકે ઓળખાવીને ભોળા નાગરિકોની બીમારીની સારવાર કરતો હતો.

દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો જપ્ત

મેડિકલ ઓફિસરની હાજરીમાં ક્લિનિકની તપાસ કરતા ત્યાંથી જુદા-જુદા દર્દો મટાડવાની એલોપેથીક ટીકડીઓ, ગ્લુકોઝની નાની-મોટી બોટલો, ઇન્જેક્શનો, સીરપની બોટલો, બીપી માપવાનું મશીન અને સ્ટેથોસ્કોપ સહિત મેડિકલ પ્રેક્ટિસને લગતી વિવિધ સામગ્રીઓનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ તમામ મેડિકલ મુદ્દામાલ જેની કિંમત રૂ. 21,381 અને રોકડા રૂ. 180 મળી કુલ 21,561 રૂપિયાનો મુદ્દામાલ સ્થળ પરથી જ જપ્ત કર્યો હતો.

પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ SOG પોલીસે બોગસ ડોક્ટર વિજયભારતી ગોસ્વામીની તાત્કાલિક અટકાયત કરી છે અને તેની વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા અન્ય ગેરકાયદે ક્લિનિક્સ અને ઝોલાછાપ ડોક્ટરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.