ઓગસ્ટ 21, 2026 6:47 પી એમ(PM)

printer

બોટાદ: ભારે વરસાદમાં 108 ની ટીમે 4 કિલોમીટર પગપાળા જઈને મહિલાની સફળ પ્રસૂતિ કરાવી

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચારણકી ગામમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ વચ્ચે 108 ઇમરજન્સી સેવા ખરા અર્થમાં જીવાદોરી સમાન સાબિત થઈ છે. રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવાથી એમ્બ્યુલન્સ ગામમાં પ્રવેશી શકે તેમ ન હોવા છતાં, 108 ની ટીમે 4 કિલોમીટરનું અંતર પગપાળા અને ટુ-વ્હીલર પર કાપીને સગર્ભા મહિલાની ઘરે જ સફળ પ્રસૂતિ કરાવી હતી.

ભારે વરસાદના કારણે એમ્બ્યુલન્સ ગામની બહાર જ અટવાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર, રાણપુર તાલુકાના ચારણકી ગામે એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડતા પરિવારજનોએ તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. કોલ મળતા જ 108 ની ટીમના ઈ.એમ.ટી. (EMT) જુબેરભાઈ ગુંદિગરા અને ડ્રાઈવર નિર્મળસિંહ ચાવડા સત્વરે એમ્બ્યુલન્સ લઈને ચારણકી ગામ તરફ જવા રવાના થયા હતા. પરંતુ, ગામમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા હોવાથી એમ્બ્યુલન્સ ગામની અંદર જઈ શકે તેવી કોઈ જ પરિસ્થિતિ ન હતી.

મેડિકલ કિટ સાથે 4 કિલોમીટરની કપરી સફર ખેડી

આવી કપરી પરિસ્થિતિમાં પણ 108 ની ટીમે હિંમત હાર્યા વિના સગર્ભાનો જીવ બચાવવાનું નક્કી કર્યું. તેઓ એમ્બ્યુલન્સ ત્યાં જ સુરક્ષિત જગ્યાએ ઊભી રાખીને જરૂરી તબીબી સાધનો અને દવાઓ સાથે પગપાળા તથા ટુ-વ્હીલરની મદદ લઈને 4 કિલોમીટર જેટલું અંતર કાપીને મહિલાના ઘર સુધી પહોંચ્યા હતા. ઘરે પહોંચ્યા ત્યારે મહિલાની સ્થિતિ અત્યંત ગંભીર હતી અને પ્રસૂતિની પીડા ખૂબ જ વધી ગઈ હતી.

તબીબના માર્ગદર્શન હેઠળ ઘરે જ કરાવાઈ સફળ પ્રસૂતિ

તાલીમબદ્ધ 108 ટીમે પરિસ્થિતિની ગંભીરતા પારખીને મહિલાને હોસ્પિટલ લઈ જવાને બદલે ઘરે જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. ઈ.આર.સી.પી.ના તબીબ ડો. જે.ડી. પટેલની ટેલિફોનિક સલાહ અને સતત માર્ગદર્શન હેઠળ ઈ.એમ.ટી. જુબેરભાઈએ જરૂરી દવાઓ આપીને મહિલાની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી.

માતા અને નવજાત બાળકને હોસ્પિટલમાં શિફ્ટ કરાયા

પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકને પ્રાથમિક સારવાર આપીને જરૂરી તબીબી દેખરેખ સાથે 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે સુરક્ષિત રીતે દાખલ કરવામાં આવ્યા હતા. સમયસર મળેલી તબીબી મદદ અને 108 ટીમની આ સતર્કતા તથા હિંમતભરી કામગીરીના કારણે માતા અને બાળક બંનેનો જીવ બચી શક્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.