ભારત આજે નવી દિલ્હીમાં BIMSTEC ગૃહમંત્રીઓની પ્રથમ બેઠકની યજમાની કરશે.
આ બેઠકમાં આતંકવાદ, આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુના, માદક દ્રવ્યો, કટ્ટરપંથીકરણ, ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અને સાયબર ધમકીઓ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે આ બેઠક આતંકવાદ અને સંગઠિત ગુના જેવા પડકારોનો સામનો કરવા માટે BIMSTEC દેશોના સહિયારા સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે બધા દેશો પરસ્પર સંકલન દ્વારા BIMSTEC ક્ષેત્રને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે BIMSTEC બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડનો સમાવેશ કરતું પ્રાદેશિક સંગઠન છે. તેનો ઉદ્દેશ્ય બંગાળની ખાડી અને આસપાસના પ્રદેશની સરહદે આવેલા દેશો વચ્ચે આર્થિક અને ટેકનિકલ સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.