ઓગસ્ટ 24, 2026 1:39 પી એમ(PM)

printer

બિહારમાં પરીક્ષા પધ્ધતિમાં સુધારણા માટે સમિતિની રચના કરવા માટે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ.

બિહાર સરકારે રાજ્યની પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારા માટે પાંચ સભ્યોની વિશેષ સમિતિની રચના માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ. આ સમિતિની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા સેવારત અથવા હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરશે.

આ સમિતિ ત્રણ મહિનામાં રાજ્ય સરકારને તેની ભલામણો સુપરત કરશે. તેના કાર્યક્ષેત્રમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, યુનિવર્સિટી, વ્યાવસાયિક અને તકનીકી, પ્રવેશ અને પાત્રતા, તેમજ ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સમાવેશ થશે.

આ સમિતિ પ્રશ્નપત્ર લીક, છેતરપિંડી, પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ, ઉત્તરપત્રો સાથે ચેડા અને પરિણામોમાં અનધિકૃત દખલ અટકાવવા પગલાંની ભલામણ કરશે. તે પરીક્ષા કેલેન્ડર, પ્રશ્નપત્ર સુરક્ષા, મૂલ્યાંકન અને પરિણામોની જાહેરાતને વધુ પારદર્શક અને સમયબદ્ધ બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

આ સમિતિ પરીક્ષાઓમાં ડિજિટલ ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા, ડેટા એનાલિટિક્સ અને સાયબર-સુરક્ષા પગલાંના ઉપયોગની સમીક્ષા કરશે. તે બાયોમેટ્રિક ચકાસણી, સીસીટીવી દેખરેખ અને પ્રશ્નપત્રો અને ઉત્તરપત્રોનું સુરક્ષિત ટ્રેકિંગ મજબૂત કરવાની પણ ભલામણ કરશે.

ગ્રામીણ વિસ્તારો, આર્થિક રીતે નબળા વર્ગો અને ડિજિટલ સુવિધાઓની મર્યાદિત પહોંચ ધરાવતા લોકોના હિતોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.