ઓગસ્ટ 18, 2026 3:12 પી એમ(PM)

printer

ભાવનગરના ઉખરલા ગામે પોલીસ રેડ દરમિયાન કૂવામાં ખાબકતા 3 યુવાનોના કરૂણ મોત

ભાવનગર તાલુકાના ઉખરલા ગામે મોડી રાત્રે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસથી બચવા માટે અંધારામાં દોડધામ કરતા 3 યુવાનો નજીકના એક કૂવામાં ખાબક્યા હતા, જેના કારણે ડૂબી જવાથી ત્રણેયના મોત નીપજ્યા છે. 

બાતમીના આધારે મોડી રાત્રે પોલીસનો દરોડો 

અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર 19 ઓગસ્ટના રોજ ભાવનગર તાલુકાના ઉખરલા ગામે આવેલા બાપુનગર વિસ્તારમાં મોટા શીતળા માતાના મંદિરની સામેના ભાગે કેટલાક શખ્સો દ્વારા જુગારની પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી. આ અંગેની ચોક્કસ બાતમી મળતાં જ પોલીસની ટીમે રાત્રિના સમયે કથિત જુગારધામ પર અચાનક રેડ કરી હતી.

અંધારામાં કૂવો ન દેખાતા સર્જાઈ ગંભીર હોનારત 

પોલીસને અચાનક ત્રાટકેલી જોઈને જુગારીઓમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. ધરપકડથી બચવા માટે લોકો આમતેમ ભાગવા લાગ્યા હતા. આ નાસભાગ દરમિયાન ભાગી રહેલા લોકો પૈકી 3 યુવાનોને અંધારામાં નજીકમાં આવેલો કૂવો ન દેખાતા તેઓ સીધા જ કૂવામાં પડ્યા હતા. ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે આ ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

મૃતકોની ઓળખ અને મૃતદેહ બહાર કાઢવાની કામગીરી 

આ ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનોની ઓળખ થઈ ચૂકી છે. જેમાં એરપોર્ટ રોડ, રૂવા ખાતે રહેતા નિલેશભાઈ બીજલભાઈ ડાભી, રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ અને અજીતભાઈ બુધાભાઈ સીધાનો સમાવેશ થાય છે. બનાવની ગંભીરતાને જોતા પોલીસ કાફલો અને બચાવ ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ કૂવામાંથી ત્રણેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

પીએમની કાર્યવાહી અને પોલીસની વધુ તપાસ શરૂ 

બહાર કઢાયેલા ત્રણેય મૃતદેહોને પંચનામું કર્યા બાદ તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગારધામ કોના દ્વારા ચલાવવામાં આવતું હતું અને ઘટના સમયે અન્ય કોણ કોણ ત્યાં હાજર હતું, તે દિશામાં પોલીસ દ્વારા વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.