ઓગસ્ટ 24, 2026 7:21 પી એમ(PM)

printer

ભાવનગર ઝેરી કેફી દ્રવ્ય કેસ: 13 ના મોત મામલે કેન્દ્રીય મંત્રી નિમુબેને સમીક્ષા કરી, વધુ 13 ઝડપાયા

ભાવનગરમાં સર્જાયેલી ભેળસેળયુક્ત ઝેરી કેફી દ્રવ્ય દુર્ઘટનામાં 13 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ગંભીર મામલે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ સ્થાનિક હોસ્પિટલની મુલાકાત લઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બીજી તરફ, પોલીસની કડક કાર્યવાહીમાં કેફી દ્રવ્યનો કાચો સામાન સપ્લાય કરતા મધ્યપ્રદેશના મુખ્ય સૂત્રધાર સહિત વધુ 13 આરોપીઓ પકડાયા છે.

કેન્દ્રીય મંત્રી દ્વારા હોસ્પિટલમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ આજે ભાવનગરની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઝેરી કેફી દ્રવ્યના સેવન બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સ્થિતિ અંગે તેમણે તબીબો અને વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મંત્રીએ દર્દીઓને અપાતી મેડિકલ સારવાર અને હોસ્પિટલની સુવિધાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ મદદની ખાતરી

દુર્ઘટના અંગે પત્રકારો સાથે વાતચીત કરતા મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત દર્દીઓને તમામ પ્રકારની સઘન સારવાર અપાઈ રહી છે. તેમણે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા ઉમેર્યું હતું કે, “આ હોસ્પિટલની અંદર જે પણ જરૂરિયાત હશે એ માટે અમે સમયાંતરે મીટિંગ અને સતત મોનિટરિંગ કરીશું. ગરીબ દર્દીઓને સારામાં સારી સુવિધા મળે તે પ્રકારે આજે ચર્ચા થઈ છે. જે પણ ઘટતું છે એ તાત્કાલિક મળે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચિંતિત છે અને તેને સત્વરે પૂરું કરવાનો પ્રયત્ન કરશે.”

સ્ટેટ મોનીટરીંગ સેલની મોટી કાર્યવાહી: કુલ 27 આરોપીઓ જેલહવાલે

આ જીવલેણ દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા પોલીસ અને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ મામલે ઝેરી કેફી દ્રવ્ય બનાવવા માટેનો કાચો સામાન પૂરો પાડતાં મધ્યપ્રદેશના મુખ્ય સૂત્રધાર સહિત વધુ 13 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસની સતર્કતાથી અત્યાર સુધીમાં આ કાંડમાં સંડોવાયેલા કુલ 27 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ કૌભાંડમાં અત્યાર સુધી 21 લોકો સામે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.