ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમાં 904 વરિષ્ઠ નાગરિકોને રૂપિયા 83.85 લાખના મૂલ્યના વિવિધ સહાયક સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
વડીલોને આત્મનિર્ભર બનાવવા સરકારની કટિબદ્ધતા
આ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે વડીલોને સંબોધતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે સતત કાર્યરત છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, “વડીલોના જીવનમાં સુગમતા, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા વધારવા માટે સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે.” વૃદ્ધાવસ્થામાં શારીરિક તકલીફો ભોગવતા વડીલોને જરૂરી સાધનો પૂરા પાડીને તેમનું જીવન સરળ બનાવવાનો આ એક સાર્થક પ્રયાસ છે.
રોજિંદી મુશ્કેલીઓમાં થશે નોંધપાત્ર ઘટાડો
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પણ યોજનાના લાભ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત મળતી આ સાધન સહાયથી વડીલોની રોજિંદી જીવનની મુશ્કેલીઓમાં મોટો ઘટાડો થશે. ઉંમર વધવાની સાથે આવતી શારીરિક નબળાઈઓને પહોંચી વળવા આ સહાયક સાધનો વડીલો માટે એક મજબૂત આધારસ્તંભ બની રહેશે, જેથી તેઓ અન્ય પર નિર્ભર રહ્યા વિના વધુ સારી રીતે હરીફરી શકશે.
જિલ્લામાં 8 કેમ્પ યોજી 45968 સાધનોનું વિતરણ
સિહોરના આ કાર્યક્રમ ઉપરાંત સમગ્ર ભાવનગર જિલ્લામાં વડીલો માટે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી છે. સત્તાવાર આંકડાઓ મુજબ, જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અત્યાર સુધીમાં કુલ 8 કેમ્પો યોજવામાં આવ્યા છે. આ કેમ્પોના માધ્યમથી 8091 વરિષ્ઠ નાગરિકોને આવરી લેવામાં આવ્યા છે, જેમને આશરે 7 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના કુલ 45968 જેટલા સહાયક સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.