ભાવનગરના વરતેજમાં મીથેનોલયુક્ત નકલી માદક દ્રવ્ય પીવાથી થયેલા મૃત્યુ મામલે ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ ગંભીર ગુનામાં સંડોવાયેલા 13 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય ફરાર આરોપીઓને પકડવા દેશભરમાં ટીમો રવાના કરી છે.
મીથેનોલયુક્ત ઝેરી માદક દ્રવ્યે લીધા લોકોના ભોગ
ગઈ 18/08/2026 ના રોજ વરતેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે રોયલ સ્ટેગના સ્ટીકરવાળી બોટલમાં વધુ માત્રામાં મીથેનોલ ધરાવતો ડુપ્લિકેટ માદક દ્રવ્ય પીવાથી આ કરુણ ઘટના બની છે. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના ડી.જી.પી. દ્વારા તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી.
21 સામે ગુનો, 13 આરોપીઓ જેલના સળિયા પાછળ
વરતેજ પોલીસ સ્ટેશનમાં નકલી માદક દ્રવ્ય બનાવવા અને વેચવાના કૌભાંડમાં કુલ 21 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 અને પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ડી.જી.પી. જી.એસ. મલિકની સૂચનાથી SMC ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજાએ આ કેસની તપાસ હાથ ધરી હતી. SMC દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી નકલી માદક દ્રવ્યની બોટલો, કેમિકલ, કલર, સ્ટીકરો, ઢાંકણા અને પેકિંગ મટિરિયલ જપ્ત કરવામાં આવ્યું છે. હાલ આ તમામ 13 આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાનૂની તજવીજ ચાલી રહી છે.
દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ અને કડક તપાસ
આરોપીઓએ નકલી માદક દ્રવ્ય બનાવવા માટેનો સામાન અને કેમિકલ ટ્રાન્સપોર્ટ મારફતે દેશની અલગ-અલગ જગ્યાએથી મંગાવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં ખુલેલા અને પકડવાના બાકી અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે SMC ની ટીમો ગુજરાત રાજ્ય તથા દેશભરમાં તપાસ અર્થે રવાના કરવામાં આવી છે.
પોલીસની જાહેર જનતાને અપીલ
આ ઘટના સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા એક ગંભીર જાહેર વિનંતી કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ પાસે 8901522000665 બારકોડ ધરાવતી રોયલ સ્ટેગના સ્ટીકરવાળી નકલી માદક દ્રવ્યની બોટલ હોય, તો તેનો તાત્કાલિક નાશ કરવા અને તેનું સેવન ન કરવા અપીલ કરાઈ છે. વધુમાં, જો કોઈ વ્યક્તિએ અજાણતા આ ઝેરી માદક દ્રવ્યનું સેવન કર્યું હોય, તો તેઓને પોતાના જીવના જોખમને ટાળવા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં તબીબી ચકાસણી કરાવી લેવા પોલીસ દ્વારા તાકીદ કરવામાં આવી છે.