ભાવનગરના વરતેજમાં બનાવટી દારૂકાંડમાં ઝડપાયેલા 13 આરોપીઓને પોલીસે ભાવનગર કોર્ટમાં રજૂ કર્યા હતા.આ તમામ આરોપીઓના અદાલતે 31 ઓગષ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ મંત્રી પરસોત્તમ સોલંકીએ ભાવનગરમાં સર્જાયેલી આ કરૂણાંતિકા મામલે અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર બનાવવની માહિતી મેળવી હતી.આ ઉપરાંત તેમણે ખરકડી ગામના મૃતકના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. આ બનાવમાં અત્યાર સુધીમાં આઠના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે 31 નાગરિકો જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.રાજ્યના પોલીસ વડાના આદેશથી સમગ્ર કેસની ઊંડાણપૂર્વકની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે. ભરતનગર અને વરતેજ પોલીસ સ્ટેશન ખાતે ગુના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 13 જેટલા આરોપીઓ ઝડપાયા છે. કામગીરીમાં બેદરકારી દાખવનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે સસ્પેન્શનનાં પગલાં લેવામાં આવ્યા હોવાનું લો એન્ડ ઓર્ડરના આઇજીપી મકરંદ ચૌહાણે જણાવ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 21, 2026 8:56 એ એમ (AM)
ભાવનગરમાં સર્જાયેલા બનાવટી દારૂકાંડના 13 આરોપીઓ 31મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર