ઓગસ્ટ 19, 2026 3:28 પી એમ(PM)

printer

ભરૂચના વાલિયાના કરસાડ ગામે પાંજરામાં દીપડી કેદ થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કરસાડ ગામના લોકોને ડરાવતો દીપડો આખરે વન વિભાગના પાંજરામાં કેદ થયો છે. નવા પુલ પાસે મૂકવામાં આવેલા પાંજરામાં એક 3 વર્ષની માદા દીપડી પુરાઈ જતાં સ્થાનિક ગ્રામજનો અને રાહદારીઓએ મોટી રાહત અનુભવી છે.

ગ્રામજનોમાં ફેલાયો હતો ભયનો માહોલ

છેલ્લા ઘણા સમયથી વાલિયાના કરસાડ ગામ પાસે આવેલા નવા પુલ આસપાસના વિસ્તારમાં એક દીપડાની અવરજવર જોવા મળી રહી હતી. રાત્રિના સમયે અને દિવસે પણ દીપડો દેખાવાના કારણે આસપાસના સ્થાનિક લોકો અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. દીપડાના સતત વધતા આતંકને પગલે ગ્રામજનો દ્વારા તાત્કાલિક સ્થાનિક વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી.

વન વિભાગે મારણ સાથે પાંજરું ગોઠવ્યું

સ્થાનિકોની ફરિયાદ મળતાં જ વન વિભાગની ટીમે કાર્યવાહી ચાલુ કરી હતી. વન વિભાગના આર.એફ.ઓ. ભાવેશ નકુમના સીધા માર્ગદર્શન હેઠળ વન કર્મીઓના સ્ટાફ દ્વારા નવા પુલ પાસે દીપડાને પકડવા માટે મારણ સાથેનું એક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આખરે વન વિભાગની આ મહેનત રંગ લાવી હતી અને મારણની લાલચમાં દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો.

3 વર્ષની માદા દીપડી કેદ, જંગલમાં મુક્ત કરાશે

વન વિભાગની તપાસમાં જાણવા મળ્યું છે કે પાંજરામાં કેદ થયેલું વન્યજીવ આશરે 3 વર્ષની ઉંમરની અને 40 થી 50 કિલો વજન ધરાવતી માદા દીપડી છે. હાલમાં વન વિભાગ દ્વારા આ દીપડીનો કબજો મેળવી લેવામાં આવ્યો છે. જરૂરી વેટરનરી તપાસ પૂર્ણ કર્યા બાદ તેને માનવ વસવાટથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.