ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શાળા છોડી ગયેલા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવા માટે ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લામાં ધોરણ 1 થી 12 ના 4000 જેટલા ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શોધીને તેમને ફરીથી શાળાકીય શિક્ષણ સાથે જોડવાની મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી.
શિક્ષણથી વંચિત બાળકોને શાળામાં પરત લાવવાનો મુખ્ય ઉદ્દેશ
રાજ્યના દરેક બાળકને શિક્ષણનો સમાન અધિકાર અને તક મળે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને સર્વસમાવેશી શિક્ષણનું લક્ષ્ય સાકાર થાય તે છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી, રિતેશ વસાવા, કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ આ ભગીરથ કાર્ય માટે સમગ્ર શિક્ષણ વિભાગ, શિક્ષકો અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.
મંત્રીએ ડ્રોપઆઉટ વિદ્યાર્થિનીના પરિવારની રૂબરૂ મુલાકાત લીધી
સમરસ વિદ્યા સેતુ અભિયાનના લોન્ચિંગ કાર્યક્રમ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ભરૂચના કુકરવાડા રોડ પર આવેલા ગોકુળ નગરમાં રહેતી અને આ અભિયાન હેઠળ શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિની હિરલ મીરના ઘરે જઈને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, તેમણે શાળાની પણ રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિક આગેવાનો અને પરિવારજનો સાથે શિક્ષણના મહત્વ અંગે સકારાત્મક ચર્ચા કરી હતી.