ભરૂચ જિલ્લાના પાલેજમાં હોટલમાંથી લાવેલો ચિકન રોલ આરોગ્યા બાદ એક જ પરિવારના 4 સભ્યોને ફૂડ પોઇઝનિંગ થતાં તબિયત લથડી હતી. જેમાંથી 14 વર્ષીય કિશોરની તબિયત વધુ બગડતાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ગંભીર ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સઘન તપાસ શરૂ કરી છે.
સાગર હોટલમાંથી ચિકન રોલ લાવી પરિવારે ખાધા હતા
અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર પાલેજના એસ. કે. નગરમાં રહેતા અંકિતભાઈ દિનેશભાઈ પટેલનો 14 વર્ષીય પુત્ર પૂર્વ કુમાર સાસરોદ ગામે રહીને ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો. ગત 8 ઓગસ્ટના રોજ સાંજના સમયે પૂર્વ કુમાર અને તેની બહેન મોનિકા પાલેજમાં આમલી સ્ટેન્ડ પાસે આવેલી સાગર હોટલમાંથી ચિકન રોલ લઈને ઘરે ગયા હતા. આ ચિકન રોલ પુત્ર, તેની બહેન, માતા અને પિતા એમ પરિવારના ચારેય સભ્યોએ સાથે મળીને ખાધા હતા.
બીજા જ દિવસે ફૂડ પોઇઝનિંગની અસર, ઝાડા-ઉલટી શરૂ થયા
ચિકન રોલ ખાધાના બીજા જ દિવસે પરિવારના ચારેય સભ્યોની તબિયત અચાનક લથડી હતી અને તમામને ઝાડા-ઉલટી શરૂ થઈ ગયા હતા. રવિવાર હોવાના કારણે પરિવારજનોએ શરૂઆતમાં કોઈ સઘન તબીબી સારવાર કરાવી ન હતી. ત્યારબાદ 10 ઓગસ્ટના રોજ સવારે તમામની તબિયત વધુ ખરાબ જણાતા તેઓને પાલેજના સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.
વધુ સારવાર માટે વડોદરા ખસેડાયેલા કિશોરનું કરુણ મોત
પાલેજ સરકારી દવાખાને સારવાર દરમિયાન 14 વર્ષીય પૂર્વ કુમારની સ્થિતિ વધુ ગંભીર બનતા તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પણ તેની ગંભીર સ્થિતિને જોતા તબીબોએ તેને વડોદરાની એસ. એસ. જી. હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કર્યો હતો. વડોદરા ખાતે દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ સારવાર કારગત ન નીવડતા પૂર્વ કુમારનું મોત નીપજ્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરે પુત્રને ગુમાવતા પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શનમાં
કિશોરના મોતના સમાચાર મળતા જ પાલેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની આશંકાએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ પણ હરકતમાં આવી છે અને હોટલની તપાસ હાથ ધરી છે. આગળની તપાસ બાદ જ મોતનું સાચું કારણ અને ફૂડની ગુણવત્તા અંગેનો ખુલાસો થઈ શકશે.