ઓગસ્ટ 11, 2026 2:08 પી એમ(PM)

printer

ભરૂચમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, 100 ફૂટ લાંબો તિરંગો બન્યો આકર્ષણનું કેન્દ્ર

ભરૂચ વહીવટી તંત્ર અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વિશાળ સંખ્યામાં નગરજનો જોડાઈને દેશભક્તિના રંગે રંગાયા હતા અને સમગ્ર શહેરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો.

હોસ્ટેલ ગ્રાઉન્ડથી પ્રસ્થાન અને 100 ફૂટનો વિશાળ તિરંગો

આ તિરંગા યાત્રાની શરૂઆત શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવી હતી. ત્યારબાદ આ યાત્રા પાંચબત્તી અને રેલવે સ્ટેશન જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ફરી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. આ ભવ્ય યાત્રાનું મુખ્ય આકર્ષણ 100 ફૂટથી પણ વધુ લાંબો વિશાળ તિરંગો હતો, જેને ગર્વભેર લહેરાવીને નગરજનોએ પોતાની દેશભક્તિ પ્રદર્શિત કરી હતી.

સિદ્દી નૃત્ય અને દેશભક્તિના નારાથી ગુંજ્યું શહેર

યાત્રા દરમિયાન વાગતા પરંપરાગત બેન્ડ અને ખાસ રજૂ કરાયેલું સિદ્દી નૃત્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. યાત્રાના સમગ્ર રૂટ પર વાગતા દેશભક્તિના ગીતો અને ‘ભારત માતા કી જય’ના ગગનભેદી જયઘોષથી જોડાયેલા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સામાન્ય નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.

વિવિધ રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ

આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને અરુણસિંહ રણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ યાત્રામાં હાજરી આપી હતી. આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો પણ આ દેશભક્તિના પર્વમાં જોડાયા હતા.