ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક અને સામાજિક વિકાસને વધુ વેગ આપવા માટે અંકલેશ્વર GIDC ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભરૂચ જિલ્લાને કુલ રૂ. 482 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા સશક્તિકરણ માટે ભરૂચ પોલીસ દ્વારા શરૂ કરાયેલી પ્રશંસનીય પહેલ ‘પ્રોજેક્ટ અસ્મિતા’ અંતર્ગત 526 જેટલી દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરી માટેના નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
‘પ્રોજેક્ટ અસ્મિતા’ થકી મહિલાઓને આર્થિક સ્વાવલંબન
ભરૂચ પોલીસ અને જિલ્લાની 13 જેટલી કંપનીઓના સહયોગથી મહિલા સુરક્ષા, સન્માન અને રોજગારી માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી અને મંત્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તે આ પ્રોજેક્ટ હેઠળ 526 મહિલાઓને નોકરીના નિમણૂકપત્રો અપાયા હતા. સામાન્ય કે ઉચ્ચ અભ્યાસ ધરાવતી આ મહિલાઓને રૂ. 17,000 થી વધુનો પ્રારંભિક પગાર મળશે, જેનાથી અનેક પરિવારોની આર્થિક સ્થિતિ સુધરશે. નાયબ મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, ભરૂચ પોલીસ માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ પ્રજાના સામાજિક અને આર્થિક ઉત્થાનમાં પણ મહત્વની ભાગીદાર બની રહી છે.
‘તેરા તુજકો અર્પણ’: રૂ. 3.16 કરોડની ચોરીનો મુદ્દામાલ પરત
કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાની સફળતા પણ ઉજવવામાં આવી હતી. દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારની G.F.L. કંપનીમાં થયેલી રૂ. 3.16 કરોડથી વધુની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ આ રિકવર કરાયેલ તમામ મુદ્દામાલ મૂળ માલિકને ચેક સ્વરૂપે પરત સોંપવામાં આવ્યો હતો. આ ઉત્કૃષ્ટ અને પ્રજાભિમુખ કામગીરી બદલ ભરૂચ પોલીસને વિશેષ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવી હતી.
MSME ઉદ્યોગો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો બૂસ્ટ
આ પ્રસંગે ઔદ્યોગિક વિકાસને લગતા રૂ. 482 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં અંકલેશ્વરમાં 510 ટ્રકોના પાર્કિંગની સુવિધા ધરાવતું ટ્રાન્સપોર્ટ નગર, 3,000 ચોરસ મીટરનું વેરહાઉસ અને MSME ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા 144 નવા ઔદ્યોગિક શેડનો સમાવેશ થાય છે. આ સાથે જ જંબુસરના બલ્ક ડ્રગ પાર્કમાં 40 MLD ની ક્ષમતાની પાણી પુરવઠા યોજના પૂર્ણ કરાઈ છે અને ઔદ્યોગિક વસાહતોની રાત્રિ સુરક્ષા માટે 1,895 સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી છે.
‘વિકસિત ભારત 2047’ ની દિશામાં ગુજરાતની મક્કમ આગેકૂચ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં ભરૂચને ગુજરાતના ઉત્પાદન ક્ષેત્રનું ‘હાર્ટ’ ગણાવ્યું હતું. તેમણે વડાપ્રધાનના ‘ઝીરો ડિફેક્ટ’ ઉત્પાદનના વિઝનને યાદ કરી ઉદ્યોગપતિઓને ગ્રીન એનર્જી, R&D અને નવી ઔદ્યોગિક નીતિના પ્રોત્સાહનોનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય અરૂણસિંહ રણા અને GIDC ના વાઇસ ચેરમેન સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.