નવેમ્બર 15, 2026 9:37 એ એમ (AM)

printer

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે આજે રાજ્યભરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે આજે રાજ્યભરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છોટા ઉદેપુર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડ ખાતે થનારી ઉજવણીમાં સહભાગી થશે.

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની રાજ્ય કક્ષાની ઉજવણી છોટાઉદેપુર જિલ્લામાં થશે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓ, 20 બિન આદિજાતિ જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકામાં મુખ્યમંત્રી, નાયબ  મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ જાહેર સભાઓ યોજાશે.

મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉજવણી અંતર્ગત રાજ્યમાં બે હજાર 300 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, આદિવાસી સમાજની માંગણીને સંતોષી આ વર્ષે 18 હજાર 828થી વધુ લાભાર્થીઓને 7/12ની નોંધ સાથેના જમીનના અધિકારપત્રો એનાયત કરવામાં આવશે. 

દરમિયાન ગઇકાલે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તમામ આદિજાતિ ગ્રામ પંચાયત તથા આદિજાતિ વિભાગની તમામ નિવાસી શાળા અને છાત્રાલયોમાં દીપોત્સવનો કાર્યક્ર્મ યોજાયો.

છોટાઉદેપુરમાં વસેડી જૂથ ગ્રામ પંચાયત ખાતે ભજન મંડળી અને દિપોત્સવ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં જોડાવવા લોકોને અપીલ કરી હતી.

 ડાંગમાં નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં ‘આદિજાતિ ગૌરવ દિવસ‘ અંતર્ગત ધાર્મિક કાર્યક્ર્મ યોજાયો હતો. તો તાપીમાં ડોલવણના ગડત ગામે યોજાયેલા કાર્યક્ર્મમાં ગ્રામજનોને ભગવાન બિરસા મુંડાના જીવન-કવનથી માહિતગાર કરાયા હતા.