ઓગસ્ટ 21, 2026 6:45 પી એમ(PM)

printer

લાંબા સમયની માંગ સંતોષાઈ : પાટણમાં રેલવે કનેક્ટિવિટી વધશે

પાટણ અને આસપાસના વિસ્તારોના યાત્રીઓની લાંબા સમયની માંગને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ભગત કી કોઠી–એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસને પાટણ રેલવે સ્ટેશન પર નવું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આજે પાટણ રેલવે સ્ટેશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પાટણના સાંસદ ભરતસિંહજી ડાભી અને અમદાવાદના મંડળ રેલવે પ્રબંધક વેદ પ્રકાશે આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને વિધિવત રીતે રવાના કરી હતી.

લાંબા સમયની માંગ સંતોષાઈ, રેલવે કનેક્ટિવિટી વધશે

સાંસદ ભરતસિંહજી ડાભીએ જણાવ્યું હતું કે, સ્થાનિક નાગરિકો અને જનપ્રતિનિધિઓની આ માંગ રેલવે મંત્રાલય સમક્ષ સતત ઉઠાવવામાં આવી રહી હતી, જે અંતે સફળ થઈ છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેલવે કનેક્ટિવિટીનો વ્યાપક વિકાસ થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં મીટર ગેજને બ્રોડ ગેજમાં ફેરવવાથી મોટો ફાયદો થયો છે. આ ઉપરાંત, લોકસભામાં રજૂઆત બાદ તારંગા–અંબાજી–આબુ રોડ રેલવે લાઈન માટે 3200 કરોડ રૂપિયાની મંજૂરી મળી ગઈ છે અને ચાણસ્મા–રાધનપુર લાઈન માટે પણ સરકારના સકારાત્મક પ્રયાસો ચાલુ છે.

40 કરોડના ખર્ચે પાટણ સ્ટેશનનું આધુનિકરણ

DRM વેદ પ્રકાશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 87 અમૃત ભારત સ્ટેશનો વિકસાવવામાં આવી રહ્યા છે. પાટણ સ્ટેશન પર 40 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કામો ચાલી રહ્યા છે. જેમાં નવી સ્ટેશન બિલ્ડિંગ અને લિફ્ટની સુવિધા સાથે 12 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે સ્ટેશનની ડિઝાઇન વર્લ્ડ હેરિટેજ ‘રાણકી વાવ’ ની સ્થાપત્ય શૈલીથી પ્રેરિત હશે. સાંસદ ડાભીના જણાવ્યા મુજબ, માર્ચ 2027 પહેલાં આ સ્ટેશન આધુનિક સુવિધાઓ સાથે નાગરિકોને સમર્પિત કરવામાં આવશે.

6 રાજ્યોના 30 શહેરો સાથે સીધો સંપર્ક, વેપારને મળશે વેગ

આ નવી ટ્રેન સુવિધાથી પાટણ હવે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના આશરે 30 પ્રમુખ શહેરો સાથે સીધું જોડાઈ જશે. જેનાથી પાટણના પ્રખ્યાત પટોળા ઉદ્યોગથી લઈને સુરત, વિદર્ભ, વારંગલ અને ચેન્નાઈના કાપડ તથા હીરા ઉદ્યોગ વચ્ચેના વ્યાપારી સંબંધોને મોટું પ્રોત્સાહન મળશે. નોંધનીય છે કે હાલમાં પાટણ સ્ટેશન પર 16 જોડી ટ્રેનોનું સ્ટોપેજ છે.

નવી ટ્રેનનું આગમન અને પ્રસ્થાનનું સમયપત્રક

પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, ટ્રેન નંબર 20626 ભગત કી કોઠી–ચેન્નઈ એક્સપ્રેસ દર સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે પાટણ સ્ટેશન પર સવારે 11:35 વાગ્યે પહોંચશે અને 2 મિનિટના રોકાણ બાદ 11:37 વાગ્યે પ્રસ્થાન કરશે. જ્યારે વળતી ટ્રેન નંબર 20625 ચેન્નઈ–ભગત કી કોઠી એક્સપ્રેસ દર સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે વહેલી સવારે 03:57 વાગ્યે પાટણ પહોંચશે અને 03:59 વાગ્યે પ્રસ્થાન કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.