રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-2 ડેમ પાણીની સારી આવક થતા 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. જળસ્તર સતત વધી રહ્યું હોવાથી અને ડેમ પૂર્ણ સપાટીએ પહોંચવાની તૈયારીમાં હોવાથી, રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ડઝનબંધ ગામો માટે સત્તાવાર ચેતવણી જાહેર કરવામાં આવી છે.
જળસપાટી અને પાણીની આવકની સ્થિતિ
રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા આજે આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ભાદર-2 ડેમની પૂર્ણ જળસપાટી 53.1 મીટર છે. જેની સામે હાલમાં ડેમનું જળસ્તર 52.6 મીટર સુધી પહોંચી ગયું છે. ડેમમાં અત્યારે પણ 100 ક્યુસેક પાણીની સતત આવક ચાલુ છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે અથવા તો તે સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે તેમાંથી કોઈપણ સમયે નદીમાં પાણી છોડવામાં આવી શકે છે.
નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા અપીલ
ડેમમાંથી નદીમાં પાણી છોડવાની સંભાવનાને પગલે વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. ડેમ છલકાય કે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ અવરજવર ન કરવા તેમજ પશુઓને પણ ત્યાં ન લઈ જવા માટે કડક સૂચના જારી કરવામાં આવી છે.
ધોરાજી અને ઉપલેટા તાલુકાના ગામોને એલર્ટ
સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. જેમાં ધોરાજી તાલુકાના ભોળા, ભલગામડા, છાડવાવદર, સુપેડી અને ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચિખલિયા, સમઢિયાળા, ગણોદ, ભીમોરા, ગઢા, ગાંદોદ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી (મજેઠી), નિલાખા, તલગાણા અને ખુદ ઉપલેટાનો સમાવેશ થાય છે.
કુતિયાણા, માણાવદર અને પોરબંદરના ગામોમાં પણ ચેતવણી
આ ઉપરાંત પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભોગસર, બિલડી, ચૌટા, છત્રાવા, કટવાણા, કુતિયાણા, માંડવા, પસવારી, રોઘડા, સેગ્રાસ, થાપડા તેમજ પોરબંદરના ચીકાસા, ગારેજ, મિતરાળા અને નવી બંદર ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે માણાવદર તાલુકાના ચીલોદરા, રોઘડા, વડાસડા અને વેકરી ગામના લોકો માટે પણ ખાસ ચેતવણી સંદેશ મોકલવામાં આવ્યો છે.