ઓગસ્ટ 21, 2026 7:05 પી એમ(PM)

printer

બેંક ઓફ બરોડામાં 2,482 જગ્યાઓ પર બમ્પર ભરતી: ગ્રેજ્યુએટ્સ માટે ઉત્તમ તક, જાણો અરજી પ્રક્રિયા અને લાયકાતના નિયમો

દેશની અગ્રણી સરકારી બેંકોમાંની એક બેંક ઓફ બરોડા (BOB) દ્વારા નોકરીવાંચ્છુ યુવાનો માટે એક મોટી ખુશખબર આપવામાં આવી છે. બેંક દ્વારા દેશભરમાં લોકલ બેંક ઓફિસરની 2482 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ભરતીમાં ગુજરાત રાજ્ય માટે સૌથી વધુ 1185 જગ્યાઓ ફાળવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 7 સપ્ટેમ્બર 2026 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.

શૈક્ષણિક લાયકાત અને જરૂરી અનુભવ

બેંક ઓફ બરોડાની સત્તાવાર જાહેરાત મુજબ, ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (સ્નાતક) પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર પાસે RBI ના સેકન્ડ શિડ્યુલમાં આવતી કોમર્શિયલ બેંકમાં ઓફિસર તરીકે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે (અહીં ક્લાર્ક તરીકેનો અનુભવ માન્ય રહેશે નહીં). ઉમેદવાર જે રાજ્ય માટે અરજી કરે છે, ત્યાંની સ્થાનિક ભાષાનું લખવા-વાંચવા અને બોલવાનું સંપૂર્ણ જ્ઞાન હોવું પણ અનિવાર્ય શરત છે.

વયમર્યાદા અને કેટેગરી મુજબ જગ્યાઓની ફાળવણી

1 ઓગસ્ટ 2026 ની સ્થિતિએ ઉમેદવારની ઉંમર 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જોકે, અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ 3 થી 15 વર્ષ સુધીની વયમર્યાદામાં છૂટછાટ મળશે. કુલ 2482 જગ્યાઓમાંથી જનરલ માટે 981, OBC માટે 600, SC માટે 358, EWS માટે 303 અને ST કેટેગરી માટે 240 જગ્યાઓ ફાળવવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા અને આકર્ષક પગારધોરણ

આ પદો માટે પસંદગી 120 ગુણની ઓનલાઇન પરીક્ષા, સ્થાનિક ભાષાની કસોટી અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશનના આધારે થશે. પસંદગી પામનાર ઓફિસરને 48,480 થી 85,920 રૂપિયા સુધીનું આકર્ષક પગારધોરણ અને બેંકના નિયમો મુજબ અન્ય ભથ્થાં મળવાપાત્ર રહેશે. નિમણૂક પામેલા ઉમેદવારે 1 વર્ષનો પ્રોબેશન પિરિયડ પૂરો કરવાનો રહેશે અને 3 વર્ષ સુધી બેંકમાં સેવા આપવા માટેનો સર્વિસ બોન્ડ પણ સાઈન કરવાનો રહેશે.

કેવી રીતે કરશો અરજી ? (અરજી ફી અને અંતિમ તારીખ)

રસ ધરાવતા ઉમેદવારોએ બેંકની સત્તાવાર વેબસાઈટ www.bankofbaroda.bank.in પર જઈને કરિયર સેક્શનમાં 18 ઓગસ્ટ 2026 થી 7 સપ્ટેમ્બર 2026 સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફી પેટે જનરલ, OBC અને EWS ઉમેદવારોએ 850 રૂપિયા, જ્યારે SC, ST, દિવ્યાંગ અને તમામ મહિલા ઉમેદવારોએ 175 રૂપિયા ઓનલાઇન ચૂકવવાના રહેશે.
એક ઉમેદવાર માત્ર એક જ રાજ્ય માટે અરજી કરી શકશે, તેથી અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચીને પોતાના જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે.