ગુજરાતના સરહદી અને છેવાડાના જિલ્લા એવા બનાસકાંઠાની વર્ષો જૂની અને અનોખી કળા ‘બનાસકાંઠા એપ્લિક વર્ક’ને ભારત સરકાર તરફથી અધિકૃત જીઆઈ ટેગ મળ્યો છે. એપ્લિક વર્ક એ બે કે તેથી વધુ કાપડના સ્તરોને છીણી અને કાતરથી ચોક્કસ આકારમાં કાપીને, ઝીણા ટાંકા વડે હાથથી જોડીને બનાવવામાં આવતી અત્યંત મુશ્કેલ અને મહેનત માંગી લેતી કળા છે. આર્ટિઝન પ્રોડક્ટ્સ અને સાડીઓની કિંમત રૂપિયા 6 હજારથી શરૂ થઈને 1.5 લાખ સુધીની હોય છે.
વાવ-થરાદના કારીગર વિષ્ણુભાઈ સુથારે જણાવ્યું છે કે, થરાદ અને વાવનો વિસ્તાર ભારત-પાકિસ્તાન તેમજ રાજસ્થાન સરહદને અડીને આવેલો રણ વિસ્તાર છે. આ વિસ્તારમાં ખેતીવાડીના મર્યાદિત સાધનો વચ્ચે 5,000 વર્ષ જૂની ‘એપ્લિક વર્ક’ એટલે કે પેચવર્ક કળા આજે પણ જીવંત છે. તેઓએ અત્યાર સુધીમાં 2 હજારથી વધુ મહિલાઓને તાલીમ આપી છે. જેમાંથી 1200થી પણ વધુ મહિલાઓ હાલમાં એપ્લિક વર્ક કરીને સ્વાવલંબી બની છે.
આ GI ટેગ મળવાથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં રહેતી અને એપ્લિક વર્ક કળા સાથે જોડાયેલી હજારો મહિલા કારીગરોના કૌશલ્યને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે.