ઓગસ્ટ 21, 2026 7:29 પી એમ(PM)

printer

અંકલેશ્વરમાં રૂ. 4.37 કરોડના વિદેશી દારૂ પર ફેરવાયું રોલર: 1.23 લાખથી વધુ બોટલોનો નાશ

ભરૂચના અંકલેશ્વરના વિવિધ પોલીસ મથકો દ્વારા જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો કોર્ટની મંજૂરી બાદ વહીવટી તંત્રની હાજરીમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે.

5 પોલીસ મથકના 140 ગુનાઓમાં જપ્ત કરાયેલો જથ્થો

અંકલેશ્વર ડિવિઝન હેઠળ આવતા વિવિધ 5 પોલીસ મથકોમાં પ્રોહિબિશનના અનેક કેસો નોંધાયા હતા. જેમાં શહેર ‘એ’ ડિવિઝન, શહેર ‘બી’ ડિવિઝન, અંકલેશ્વર રૂરલ, પાનોલી અને હાંસોટ પોલીસ મથકનો સમાવેશ થાય છે. આ પાંચેય પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ 140 જેટલા ગુનાઓમાં પોલીસે બુટલેગરો પાસેથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

રૂ. 4.37 કરોડની 1.23 લાખથી વધુ બોટલોનો ખાતમો

કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને નામદાર કોર્ટની સત્તાવાર મંજૂરી મળ્યા પછી, અંકલેશ્વરના યોગી એસ્ટેટ વિસ્તારમાં આવેલા ખુલ્લા મેદાનમાં આ જંગી માત્રાના દારૂનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાંચેય પોલીસ મથકના કેસોમાં ઝડપાયેલી અંદાજે રૂ. 4 કરોડ 37 લાખ 36 હજારથી વધુની કિંમતની વિદેશી દારૂની 1.23 લાખથી વધુ બોટલોને મેદાનમાં પાથરીને તેના પર હેવી રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.

ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પારદર્શક કાર્યવાહી

દારૂના નાશની આ સમગ્ર પ્રક્રિયા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અંકલેશ્વરના નાયબ કલેક્ટર બી. એ. જાડેજા, મામલતદાર રાજન વસાવા અને ડીવાયએસપી ડો. કુશલ ઓઝા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, તમામ 5 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર (PI), પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને અન્ય પોલીસ સ્ટાફ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે હાજર રહ્યો હતો.

રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના દારૂનો એકસાથે નાશ થતાં સ્થાનિક બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ભવિષ્યમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંદેશ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.