ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને ‘3300+ ચાઇલ્ડ ફ્રેન્ડલી આંગણવાડી અને પોષણ સંગમ હેલ્થ કેમ્પ’ વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની આંગણવાડીઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાલ્યાવસ્થા સંભાળનું સઘન આયોજન કરવાનો હતો.
આંગણવાડી બાળકો માટે સર્વાંગી વિકાસનું પ્રથમ પગથીયું: મંત્રી ડૉ. મનીષાબેન વકીલ
મંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, આંગણવાડી એ માત્ર પોષણ આપવાનું કેન્દ્ર નથી, પરંતુ તે બાળકોના સર્વાંગી વિકાસ માટેનું પ્રથમ પગથીયું અને શિક્ષણનું સાચું મંદિર છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં નવી બની રહેલી 600 થી 900 સ્ક્વેર ફીટની આંગણવાડીઓમાં બાળકો માટે સલામત અને ચાઈલ્ડ-ફ્રેન્ડલી વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. બાળકના મગજનો 85% થી 90% વિકાસ પ્રથમ 6 વર્ષમાં થતો હોવાથી આંગણવાડીનું વાતાવરણ રમત-ગમત અને પ્રવૃત્તિમય હોવું અત્યંત જરૂરી છે. મંત્રીએ આંગણવાડી કાર્યકરો અને હેલ્પર્સને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અને ઇનોવેટિવ પ્રવૃત્તિઓ માટે ટ્રેનિંગ આપી વધુ સક્રિય કરવા પર ભાર મૂક્યો હતો.
કુપોષિત બાળકો માટે ખાસ ‘પોષણ સંગમ હેલ્થ કેમ્પ’
મંત્રીએ ઉમેર્યું કે આંગણવાડી સ્તરે કુપોષિત બાળકો માટે ખાસ હેલ્થ કેમ્પ યોજવામાં આવશે. માત્ર તપાસ અને દવાઓથી કામ પૂરું નથી થતું, પરંતુ બાળક કુપોષણમાંથી સંપૂર્ણપણે બહાર ન આવે ત્યાં સુધી નિયમિત યોગ્ય ફોલો-અપ લેવા અને તેમના માતા-પિતાને પોષણલક્ષી માર્ગદર્શન આપવા તેમણે સૂચન કર્યું હતું. મમતા દિવસ દરમિયાન આશા વર્કર અને આંગણવાડી બહેનોના સંકલનથી સગર્ભા માતાઓ, કિશોરીઓ અને બાળકોના વજન-ઊંચાઈ માપન અને રસીકરણની કામગીરી સરળતાથી થાય તેવું આયોજન કરવા પણ જણાવાયું હતું.
IIT ગાંધીનગર અને યુનિસેફના સહયોગથી ‘સ્માર્ટ આંગણવાડી’નું નિર્માણ
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ ડૉ. રાકેશ શંકરે જણાવ્યું કે, ICDS અને માર્ગ અને મકાન (R&B) વિભાગના સંયુક્ત પ્રયાસોથી 3300 થી વધુ નવી આંગણવાડીઓના નિર્માણનું કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. આંગણવાડીઓના ગુણવત્તાયુક્ત નિર્માણ માટે IIT ગાંધીનગરના તજજ્ઞો અને થર્ડ-પાર્ટી ઇન્સ્પેક્શનની મદદ લેવામાં આવી રહી છે. વર્કશોપમાં યુનિસેફ દ્વારા સ્માર્ટ આંગણવાડીઓના 3D લે-આઉટનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.
આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વર્કશોપમાં ICDS કમિશનર, જિલ્લા કક્ષાના એન્જિનિયરો, પ્રોગ્રામ ઓફિસર્સ અને IIT તથા યુનિસેફના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.