ઓગસ્ટ 9, 2026 6:41 પી એમ(PM)

printer

ગૃહમંત્રી અમિત શાહે પુડુચેરીમાં ‘હર ઘર તિરંગા યાત્રા’ને લીલી ઝંડી બતાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પુડુચેરીના મુરુગા થિયેટર સિગ્નલ ખાતેથી ‘હર ઘર તિરંગા યાત્રા’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથન, પુડુચેરીના ગૃહમંત્રી એ. નમસ્સિવાયમ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જી. એન. એસ. રાજશેખરન તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી. પી. રામલિંગમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રામાં હજારો લોકોએ તિરંગા સાથે ભાગ લીધો હતો.

આ અગાઉ ગૃહમંત્રી અમિત શાહે ગોરિમેડુ ખાતેની પોલીસ તાલીમ શાળાના મેદાનમાં પુડુચેરી પોલીસને રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કરવાના સમારોહમાં ભાગ લીધો હતો.

પુડુચેરી પોલીસને અભિનંદન પાઠવતાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પોલીસ કલર મેળવવો કોઈપણ શિસ્તબદ્ધ પોલીસ દળના જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણોમાંની એક છે. તેમણે જણાવ્યું કે 5 હજારથી ઓછા કર્મચારીઓની સંખ્યા ધરાવતી પુડુચેરી પોલીસને સમૃદ્ધ આધ્યાત્મિક વારસો ધરાવતા પુડુચેરીની સુરક્ષા, આંતરિક સુરક્ષા જાળવવા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશના સન્માન અને ગૌરવનું રક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

રાષ્ટ્રપતિ પોલીસ કલરનું આ ઐતિહાસિક સન્માન પ્રાપ્ત થતાં પુડુચેરી દેશનું 18મું રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે, જેને પોલીસ દળને આપવામાં આવતું આ સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે. આ પ્રસંગે પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથન, મુખ્યમંત્રી એન. રંગાસામી, ગૃહમંત્રી એ. નમસ્સિવાયમ અને પોલીસ મહાનિર્દેશક શાલિની સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.