ઓક્ટોબર 26, 2026 3:44 પી એમ(PM)

printer

શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રસાદનું ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગ કરાશે

શક્તિપીઠ અંબાજી મંદિરમાં પર્યાવરણને અનુકૂળ પ્રસાદનું પેકેજિંગ કરાશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના આ સફળ મૉડેલને હવે અંબાજી મંદિરમાં પણ અપનાવાશે. અંબાજી મંદિરમાં દર મહિને અંદાજે 10 લાખ પ્રસાદની પ્લાસ્ટિકની ડબ્બીનું વિતરણ કરાય છે.

તેના કારણે માત્ર પેકેજિંગથી જ માસિક અંદાજે 11 હજાર 299 કિલો જેટલો પ્લાસ્ટિકનો કચરો એકઠો થાય છે. જોકે, હવે આ નવા વિકલ્પથી અંબાજીમાં દર વર્ષે અંદાજે 135 ટનથી વધુ પ્લાસ્ટિકના કચરાને થતો અટકાવી શકાશે.

અંબાજી મંદિરમાં સોમનાથ મોડેલનાં અમલની તૈયારી
સોમનાથ મંદિર ખાતે મળેલી સફળતાના આધારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) શ્રી આરાસુરી અંબાજી માતા મંદિરમાં પણ આવી જ પેકેજિંગ વ્યવસ્થા અમલમાં મૂકશે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “ અંબાજી મંદિરમાં સામાન્ય દિવસોમાં આશરે 15,000 પ્લાસ્ટિકનાં પ્રસાદ બોક્સનો ઉપયોગ થાય છે, જ્યારે તહેવારો અને વિશેષ પ્રસંગોએ તેની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે.

પ્રસાદ વિતરણમાં ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો અપવનાવવાથી અંબાજીમાં દર વર્ષે આશરે 135.6 ટન પ્લાસ્ટિકના કચરાને અટકાવી શકાશે. આ પેકેજિંગ વિકલ્પો પ્રસાદ વિતરણ માટે જરૂરી સ્વચ્છતા, કાર્યક્ષમતા અને સુવિધા જાળવી રાખવાની સાથે તેની સાંસ્કૃતિક ઓળખને પણ જાળવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.”

પર્યાવરણમિત્ર પેકેજિંગ વિકલ્પો તૈયાર
GPCB દ્વારા યોગ્ય વિકલ્પો વિકસાવવા માટે શ્રદ્ધાળુઓની અવરજવર, પ્રસાદનો જથ્થો, પ્રસાદ બનાવવાની અને પેક કરવાની પ્રક્રિયા, સંગ્રહની સ્થિતિ, વિતરણની પદ્ધતિઓ તથા હાલની કચરા ઉત્પન્ન થવાની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાના પરિણામે પ્લાસ્ટિકમુક્ત કાગળનાં બોક્સ, મોલ્ડેડ શેરડીના બગાસનાં કન્ટેનર અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ટીનનાં ડબ્બા સહિતના વિકલ્પો તૈયાર કરવામાં આવ્યા હતા.

કાગળમાંથી બનાવવામાં આવેલા પેકેજિંગનો ટૂંકા ગાળાના ઉપયોગ બાદ પર્યાવરણને અનુકૂળ રીતે નિકાલ કરી શકાય તે રીતે વિકાસ કરવામાં આવ્યો છે, જ્યારે ટીનનાં ડબ્બા ટકાઉ પાત્રો તરીકે તૈયાર કરવામાં આવ્યા છે, જેને શ્રદ્ધાળુઓ પોતાની પાસે રાખીને ફરીથી ઉપયોગમાં લઈ શકે છે.

આ પહેલ શ્રદ્ધાળુઓને વધુ ટકાઉ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાની સાથે ધાર્મિક પરંપરાઓ પર્યાવરણ સંરક્ષણમાં કેવી રીતે યોગદાન આપી શકે છે તે પણ દર્શાવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.