સાઉદી અરેબિયામાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનને લઈને એર ઇન્ડિયાએ 20 મી તારીખ સુધી રિયાધ, દમ્મામ અને જેદ્દાહ જતી અને પરત આવતી ઉડાનો રદ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, એર ઇન્ડિયાએ જણાવ્યું કે તે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ઉડાન સંચાલન સુરક્ષિત રીતે ફરી શરૂ થાય તે સુનિશ્ચિત કરશે. ઉડાનો રદ થવાથી મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવી રહ્યું છે.
તો ભારતે પશ્ચિમ એશિયામાં વણસી રહેલી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. ભારતે નાગરિક માળખાગત સુવિધાઓ, વાણિજ્યિક જહાજો અને ભારતીય નાવિકો પર વારંવાર થઈ રહેલા હુમલાની સખત ટીકા કરી. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ચર્ચામાં સંબોધન કરતાં, UNમાં ભારતના કાયમી પ્રતિનિધિ હરીશ પર્વતાનેનીએ આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા વાણિજ્યિક જહાજોના સૂચારુ આવાગમન પર ભાર મૂક્યો.
તેમણે રિયાધ એરપોર્ટ પર તાજેતરના હુમલાઓની ટીકા કરી. એમવી ડીપી વર્લ્ડ કાવેરી અને એમટી વાલ્થેરા સહિતના જહાજો પરના હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે ભારતીય નાવિકોની સલામતી સરકારની પ્રાથમિકતા છે.
બેઠકમાં ભારતે ભારતીય નાવિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં ઓમાન અને સંયુક્ત આરબ અમીરાતના સમર્થન અંગે પ્રશંસા વ્યક્ત કરી હતી