અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટમાં રક્ષાબંધન અને ઈદના પર્વ નિમિત્તે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. કમરના અસહ્ય દુખાવાથી પીડાતી અને ટીબીની ખોટી આશંકા ધરાવતી 14 વર્ષીય મુસ્લિમ દીકરી ઈકરા શેખને સ્પાઈન સર્જન ડૉ. પીયૂષ મિત્તલે સચોટ નિદાન કરી સર્જરી વિના સાજી કરી હતી. આ નવી જિંદગી આપવા બદલ દીકરીએ ડૉક્ટરના કાંડા પર રાખડી બાંધી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
ટીબીની આશંકા વચ્ચે સચોટ નિદાને બચાવી સર્જરી
મૂળ બિહારની અને હાલ અમદાવાદમાં મામા-મામીના ઘરે રહેતી 14 વર્ષીય ઈકરા શેખને કમરનો સખત દુખાવો શરૂ થયો હતો. અગાઉ ખાનગી રિપોર્ટમાં ટીબી (TB) હોવાનું અને સર્જરી કરાવવી પડશે તેવું જણાવવામાં આવતા પરિવાર ગભરાઈ ગયો હતો. યોગ્ય માર્ગદર્શન માટે તેઓ ગવર્નમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા, જ્યાં નિયામક અને સિનિયર સ્પાઈન સર્જન ડૉ. પીયૂષ મિત્તલે તપાસ કરી. ડૉ. મિત્તલે બાયોપ્સીની સલાહ આપી, પરંતુ પરિવાર ગભરાયો હતો. ડૉક્ટરની સમજાવટથી બાયોપ્સી કરાવી, જેમાં દર્દીને ટીબી નહીં પરંતુ ‘સ્યુડોમોનાસ’ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું. સચોટ એન્ટિબાયોટિક સારવાર શરૂ થતાં જ ઈકરા વિના સર્જરીએ ઝડપથી સાજી થવા લાગી.

‘ડૉક્ટર માત્ર તબીબ નહીં, પરંતુ રક્ષક સમાન ભાઈ છે’
સારવારથી સંપૂર્ણ સ્વસ્થ થવા તરફ આગળ વધી રહેલી 14 વર્ષીય ઈકરાએ ડૉક્ટરનો આભાર માનતા જણાવ્યું હતું કે, ડૉક્ટર સાહેબે મને ખોટા રસ્તે જતાં અને મોટી સર્જરીથી બચાવી લીધી. ડૉ. મિત્તલે સાચું નિદાન કરીને મને નવી જિંદગી આપી છે. ડૉ. પીયૂષભાઈ મારા માટે માત્ર ડૉક્ટર નથી, પણ એક ભાઈ અને રક્ષક સમાન છે. સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજિત રક્ષાબંધન કાર્યક્રમમાં જ્યારે ઈકરાએ ડૉ. મિત્તલને રાખડી બાંધી ત્યારે વાતાવરણ અત્યંત ભાવસભર બની ગયું હતું.

યોગ્ય લેબ ટેસ્ટ અને સચોટ સારવાર અનિવાર્ય: ડૉ. પીયૂષ મિત્તલ
આ ભાવનાત્મક પ્રસંગે ડૉ. પીયૂષ મિત્તલે જણાવ્યું હતું કે, એક મુસ્લિમ દીકરી જ્યારે એક હિન્દુ ડૉક્ટરને ભાઈ સમજીને રાખડી બાંધે છે, ત્યારે તે સામાજિક સમરસતાનું જીવંત દૃષ્ટાંત બને છે. આજે એક ડૉક્ટર તરીકે નહીં પરંતુ એક ભાઈ તરીકે મને ગર્વ અનુભવાયો. વધુમાં તેમણે તબીબી સલાહ આપતા જણાવ્યું હતું કે, યોગ્ય તપાસ વગર એન્ટિબાયોટિક્સ લેવાથી દર્દીને નુકસાન થઈ શકે છે. કોઇપણ ઇન્ફેક્શનમાં ડૉક્ટરની સલાહ મુજબ યોગ્ય લેબ ટેસ્ટ્સ કરાવવા જરૂરી છે, જેથી બીમારી ગંભીર બનતી અટકાવી શકાય. આ ઘટના ડૉક્ટર અને દર્દી વચ્ચેના અતૂટ વિશ્વાસ અને માનવતાનું પ્રતીક બની છે.
