ઓગસ્ટ 18, 2026 6:54 પી એમ(PM)

printer

હવે અમદાવાદથી મુન્દ્રા માત્ર 50 મિનિટમાં પહોંચાશે : નવી હવાઈ સેવાનો પ્રારંભ

ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ અને કચ્છના ઔદ્યોગિક તથા બંદર હબ મુન્દ્રા વચ્ચે આજથી સીધી હવાઈ સેવાનો પ્રારંભ થયો છે. ગઈકાલે એક ખાનગી એર કંપની દ્વારા આ રૂટ પર નવી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી એર કનેક્ટિવિટીના કારણે બંને શહેરો વચ્ચેનો માર્ગ પ્રવાસ હવે માત્ર ગણતરીની મિનિટોમાં પૂરો થશે, જેનાથી વેપારીઓ અને ઉદ્યોગકારોને મોટો ફાયદો થશે.

અઠવાડિયામાં 3 દિવસ ઉડાન ભરશે ફ્લાઈટ

આ નવી ફ્લાઇટ અઠવાડિયામાં 3 દિવસ એટલે કે સોમવાર, બુધવાર અને ગુરુવારે સંચાલિત થશે. ફ્લાઇટના સમયપત્રક મુજબ, અમદાવાદથી મુન્દ્રા જતી ફ્લાઇટ સવારે 6:40 વાગ્યે ટેકઓફ કરીને 7:30 વાગ્યે મુન્દ્રા પહોંચશે. જ્યારે મુન્દ્રાથી અમદાવાદ પરત ફરતી ફ્લાઇટ સાંજે 6:40 વાગ્યે ઉપડીને 7:30 વાગ્યે અમદાવાદ લેન્ડ થશે. સવારે જઈને સાંજે સરળતાથી પરત ફરી શકાય તેવા આ સમયપત્રકથી વ્યાપારીઓ અને પ્રોફેશનલ્સને ખૂબ જ અનુકૂળતા રહેશે.

70 થી વધુ મુસાફરોની ક્ષમતા ધરાવતું આધુનિક એરક્રાફ્ટ

નોંધનીય છે કે, અગાઉ આ બંને શહેરો વચ્ચે એર ટેક્સીની સેવા ઉપલબ્ધ હતી, જે માત્ર 4 મુસાફરોની મર્યાદિત ક્ષમતા ધરાવે છે અને તે હાલ પણ કાર્યરત છે. પરંતુ હવે સ્ટાર એર દ્વારા 70 થી વધુ મુસાફરો બેસી શકે તેવા આધુનિક એરક્રાફ્ટનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. આ નવી અને મોટી ફ્લાઇટ શરૂ થવાથી સામાન્ય મુસાફરો, બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ અને ટેકનિકલ સ્ટાફને વધુ આરામદાયક, સુવિધાજનક અને ઝડપી મુસાફરીનો ઉત્તમ વિકલ્પ મળ્યો છે.

વેપાર અને ઉદ્યોગ જગતના વિકાસને મળશે વેગ

અમદાવાદ રાજ્યનું એક મોટું શૈક્ષણિક અને કોમર્શિયલ સેન્ટર છે, જ્યારે મુન્દ્રા વૈશ્વિક કક્ષાનું ટ્રેડ, પોર્ટ અને લોજિસ્ટિક્સ હબ છે. આ સીધી હવાઈ કનેક્ટિવિટીના કારણે રોડ માર્ગે લાગતો કલાકોનો સમય બચી જશે અને બિઝનેસ કોઓર્ડિનેશન વધુ સરળ બનશે. આ ફ્લાઇટ સેવાથી વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને સ્ટાર્ટઅપ સેક્ટર સાથે સંકળાયેલા લોકોના વિકાસને નવો વેગ મળશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.