ઓગસ્ટ 14, 2026 5:01 પી એમ(PM)

printer

અમદાવાદ સિવિલની સ્પાઈન ઈન્સ્ટીટ્યૂટમાં દર્દીઓ માટે પ્રેરણાદાયક રમતગમત સ્પર્ધા યોજાઈ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગવર્મેન્ટ (સી.એલ. એન્ડ એસ.સી.) સ્પાઈન ઈન્સ્ટીટ્યૂટ ખાતે 80માં સ્વતંત્રતા પર્વના ભાગરૂપે અનોખી અને પ્રેરણાદાયક રીતે ઉજવણી કરવામાં આવી. આજે ઓક્યુપેશનલ થેરાપી વિભાગ અને સ્પાઈન ઈન્સ્ટીટ્યૂટના સંયુક્ત ઉપક્રમે, વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે એક વિશેષ રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓના શારીરિક અને માનસિક પુનર્વસનમાં મદદરૂપ થવાનો અને તેમનામાં આત્મવિશ્વાસ જગાડવાનો હતો.

આ રમતગમત સ્પર્ધામાં દર્દીઓએ તેમની શારીરિક મર્યાદાઓને હરાવીને અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. સ્પર્ધામાં બોલ ઇન બકેટ, ગોળાફેક, ભાલાફેક અને વ્હીલચેર રેસ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી. વ્હીલચેર પર બેસીને પણ દર્દીઓએ જે ખેલદિલી અને જોમ બતાવ્યું તે ખરેખર અદભુત અને પ્રેરણાદાયક હતું. આ રમતા થકી દર્દીઓએ સાબિત કર્યું કે મક્કમ મનોબળ આગળ કોઈ પણ શારીરિક મર્યાદા અડચણરૂપ બની શકતી નથી.

આ પ્રસંગે દર્દીઓનો જુસ્સો વધારવા માટે સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના નિયામકશ્રી ડો. પીયુષ મિત્તલ અને આર.એમ.ઓ. (RMO) શ્રી સંજય કાપડીયાએ કાર્યક્રમમાં હાજરી આપીને દર્દીઓને વ્યક્તિગત રીતે મળીને પ્રોત્સાહિત કર્યાં હતા. આ ઉપરાંત, અન્ય વિભાગોના વડાઓ અને સ્ટાફ મિત્રોએ પણ હાજર રહીને દર્દીઓનો ઉત્સાહ વધાર્યો હતો. અધિકારીઓની આ આત્મીયતાભરી હાજરીએ દર્દીઓના ચહેરા પર સ્મિત લાવી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે એટલે કે 15મી ઓગસ્ટના રોજ ધ્વજવદન કાર્યક્રમ બાદ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સાધન સહાયનું વિતરણ પણ કરવામાં આવશે, જે તેમના રોજિંદા જીવનને વધુ સરળ બનાવવામાં મદદરૂપ થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.