નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 5 મી ફૂડ ડિલીવરી સમિટ-2026 નો પ્રારંભ કરાવ્યો હતો. આ એક દિવસીય સમિટમાં દેશના 30 થી વધુ શહેરોમાંથી 1500 થી વધુ બ્રાન્ડ સાથે સંકળાયેલા 5000 થી વધારે વ્યાવસાયિકોએ વિવિધ સત્રો અને કાર્યશાળાઓમાં ભાગ લીધો છે.
ફૂડ સેક્ટર રોજગારી અને અર્થતંત્રનો મુખ્ય આધાર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશના કુલ અર્થતંત્રમાં ફૂડ અને તેને સંબંધિત બિઝનેસનો હિસ્સો અંદાજે રૂ. 5.69 લાખ કરોડ છે, જે આગામી સમયમાં રૂ. 7.5 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. રોજગારી ક્ષેત્રે આ સેક્ટરના યોગદાનની વાત કરતા તેમણે કહ્યું કે, હાલ આ સેક્ટરમાં 75 લાખ કરતાં વધુ લોકોને રોજગારી મળી રહી છે અને આગામી સમયમાં આ આંકડો 1 કરોડને પાર કરશે. બહુ ઓછા સેક્ટર આટલા મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે.
ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી ખર્ચ બચાવવા અપીલ
રિન્યુએબલ એનર્જી દિવસ નિમિત્તે હર્ષ સંઘવીએ રેસ્ટોરન્ટ માલિકો અને ફૂડ ડિલીવરી સેક્ટર સાથે સંકળાયેલા લોકોને પર્યાવરણના રક્ષણ માટે ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની ખાસ અપીલ કરી હતી. તેમણે સમજાવ્યું કે જો ડિલીવરી માટે પેટ્રોલને બદલે ઇલેક્ટ્રિક વાહનનો આગ્રહ રાખવામાં આવે, તો પ્રતિ કિલોમીટર 2.5 રૂપિયાનો ખર્ચ ઘટીને માત્ર 50 પૈસા થઈ શકે છે, જે આર્થિક અને પર્યાવરણીય બંને દ્રષ્ટિએ ફાયદાકારક છે.
ગિફ્ટ સિટી અને પ્રવાસન સ્થળોએ મૂડીરોકાણની વિશાળ તકો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગાંધીનગરનું ગિફ્ટ સિટી આજે વૈશ્વિક ફિનટેક હબ બની ગયું છે, જ્યાં ફૂડ સેક્ટર માટે અનેક નવી તકો રહેલી છે. આ ઉપરાંત, તેમણે સ્ટેટ્યૂ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ, ધરોઈ ડેમ, કચ્છનું સફેદ રણ અને ગીર જેવા પ્રવાસન સ્થળોએ ફૂડ બિઝનેસ શરૂ કરવા ઉદ્યોગપતિઓને આમંત્રણ આપ્યું હતું. રાજ્ય સરકાર તરફથી ખાતરી આપતા તેમણે કહ્યું કે, તમે સારા આઇડિયા સાથે આવો, સરકાર તમામ માળખાકીય સુવિધાઓ પૂરી પાડશે. તમારે કેપેક્સનું જોખમ લેવાની જરૂર નથી.