ઓગસ્ટ 1, 2026 6:58 પી એમ(PM)

printer

વલસાડમાં ઔરંગાના પૂર ઓસર્યા: તંત્ર દ્વારા રાહત-સફાઈ વેગવંતી

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ ઔરંગા નદીમાં આવેલા પૂરના પાણી હવે ઓસરી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતરતા સ્થાનિક લોકોએ મોટી રાહત અનુભવી છે. બીજી તરફ, જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રાહત, બચાવ અને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ડિઝાસ્ટર મામલતદાર હકુબા કાલૌતરના જણાવ્યા અનુસાર, પૂરની ગંભીરતાને જોતા વહીવટી તંત્રએ તાત્કાલિક પગલાં લીધા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કુલ 654 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 523 લોકોને સરકારી આશ્રયસ્થાનોમાં આશરો આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય લોકો પોતાના સગા-સંબંધીઓના ઘરે સુરક્ષિત છે. આ ઉપરાંત, પૂરના ધસમસતા પાણીમાં ફસાયેલા 3 વ્યક્તિઓનું તંત્ર દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

ભારે વરસાદ અને પૂરને કારણે વલસાડ જિલ્લાના માર્ગ વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. સલામતીના ભાગરૂપે હાલ સ્ટેટ હાઇવેના 2 માર્ગો, પંચાયત હસ્તકના 108 માર્ગો અને અન્ય 2 માર્ગો મળીને કુલ 112 રસ્તાઓ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા વાહનચાલકોને અત્યંત જરૂરી હોય તો જ મુસાફરી કરવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. આજની વાત કરીએ તો, સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં નાનાપોધામાં 54 એમએમ, કપરાડામાં 45 એમએમ, વાપીમાં 34 એમએમ, ધરમપુરમાં 19 એમએમ, વલસાડમાં 15 એમએમ, પારડીમાં 11 એમએમ અને ઉમરગામમાં 9 એમએમ વરસાદ નોંધાયો છે.

જિલ્લા વહીવટી તંત્રના આંકડા મુજબ, ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં જિલ્લામાં 22 લોકોના મૃત્યુ નોંધાયા છે અને 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. આ ઉપરાંત 598 પશુઓએ પણ જીવ ગુમાવ્યા છે. વરસાદ અને પૂરના કારણે 2298 જેટલા કાચા-પાકા મકાનોને નુકસાન પહોંચ્યું છે. અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 15750 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

પૂરના પાણી ઉતર્યા બાદ હવે નીચાણવાળા વિસ્તારોમાં કાદવ-કીચડ અને કચરાના ઢગલાની સમસ્યા સર્જાઈ છે, જેનાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વલસાડ નગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા રસ્તાઓ પરથી કચરો અને પ્લાસ્ટિક દૂર કરવાની ઝુંબેશ શરૂ કરાઈ છે. વીજ થાંભલાઓ અને વૃક્ષો પર ફસાયેલો કચરો પણ સાફ કરવામાં આવી રહ્યો છે. પાણી ભરાવાને કારણે રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરી સ્વચ્છતા અભિયાનને વેગ આપવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.