જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના 38 જેટલા સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરીને 111 કિલો વાસી ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે, સાથે જ શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના નમૂનાઓને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
વિવિધ વિસ્તારોમાં 38 સ્થળોએ સઘન તપાસ
ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે ગુલાબનગર, જકાતનાકા, હરિયા કોલેજ રોડ, ડી.કે.વી. કોલોની, ગ્રીન માર્કેટ અને જોડિયા ભુંગા સહિતના વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો અને ફેક્ટરીઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ મેગા ડ્રાઇવ દરમિયાન 111 કિલોગ્રામ વાસી અને બિનઆરોગ્યપ્રદ ખોરાક, 76 એક્સપાયરી ડેટવાળા ફૂડ પેકેટ અને 53 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરીબેગનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વેપારીઓને રસોડામાં હાઇજિનિક કન્ડિશન જાળવવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને ગ્રાહકોને અપાતા ચીઝ-બટરની સ્પષ્ટ માહિતી દર્શાવવા તાકીદ કરાઈ હતી.
ગેરકાયદેસર મટન વેચાણ અને અસ્વચ્છ રસોડા પર કાર્યવાહી
ચેકિંગ દરમિયાન ગુલાબનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં FSSAI લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે ચાલતા મટનના વેચાણનો પર્દાફાશ થયો હતો. તંત્રએ મટનના નમૂના લઈ ફૂડ સેફ્ટી એક્ટની કલમ 31 અને 32 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે હિંમતનગર વિસ્તારમાં આવેલી એક પેઢીમાં ઓનલાઈન ફરિયાદના આધારે ચેકિંગ કરતા અસ્વચ્છતા જોવા મળી હતી, જેથી ત્યાંથી 15 કિલો તૈયાર અનહાઇજેનિક ખોરાકનો નાશ કરાયો હતો. અન્ય એક સ્થળેથી ખરાબ તેલના ઉપયોગ અંગે ફરિયાદ મળતા તેનો યોગ્ય નિકાલ કરવા અને FSSAI ના 12 નિયમોનું બોર્ડ ફરજિયાત લગાવવા સૂચના અપાઈ હતી.
શંકાસ્પદ નમૂનાઓ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા
લોકોને અપાતા ખાદ્યપદાર્થોની શુદ્ધતા ચકાસવા માટે મરચું પાવડર અને ધાણાજીરું પાવડરના નમૂના લેવાયા છે. આ ઉપરાંત બેડી બંદર રોડ, માધાપર ભુંગા અને બેડેશ્વર સહિતના વિસ્તારોમાંથી લેવાયેલા પાણીના 2 નમૂના રાજકોટ લેબમાં અને ખાદ્યપદાર્થના 7 નમૂના વડોદરા સ્થિત ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.
નાગરિકોને ફરિયાદ કરવા મહાનગરપાલિકાની અપીલ
જામનગર મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને ખાસ અનુરોધ કર્યો છે કે જો તેઓને ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે કોઈ પણ શંકા કે ફરિયાદ હોય, તો તેઓ ઓનલાઈન, ઓફલાઈન અથવા ટેલિફોનિક માધ્યમથી ફૂડ સેફ્ટી વિભાગનો સંપર્ક કરી શકે છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ કસૂરવાર વેપારીઓ સામે વધુ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
News On AIR | ઓગસ્ટ 3, 2026 7:19 પી એમ(PM)
જામનગરમાં ફૂડ સેફ્ટી વિભાગની મેગા ડ્રાઇવ: 38 સ્થળોએ ચેકિંગ, 111 કિલો વાસી ફૂડનો નાશ