ગુજરાતમાં 15 વર્ષથી નાની વયના બાળકોમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતા રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ વાયરસની વર્તમાન સ્થિતિ અંગે તથ્યો રજૂ કરતા લોકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.
રાજ્યમાં 184 શંકાસ્પદ કેસ, 7 દર્દીઓ હાલ સારવાર હેઠળ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સામે આવેલા તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 35 કેસ ચાંદીપુરા પોઝિટિવ આવ્યા છે. જ્યારે 11 સેમ્પલના ટેસ્ટ પરિણામો હજુ આવવાના બાકી છે. નોંધાયેલા શંકાસ્પદ કેસોમાંથી અત્યાર સુધીમાં 22 બાળકોના ચાંદીપુરા વાયરસથી દુઃખદ મૃત્યુ થયા છે. હાલમાં 7 પોઝિટિવ દર્દીઓ વિવિધ સિવિલ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જ્યારે 6 દર્દીઓને તબિયત સુધરતા રજા આપી દેવામાં આવી છે.
હોસ્પિટલોમાં સુપર-સ્પેશિયાલિસ્ટ સારવાર અને તંત્રની ગ્રાઉન્ડ લેવલની કામગીરી
ગાંધીનગર, હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલોમાં દાખલ તમામ બાળકોને શ્રેષ્ઠ અને સુપર-સ્પેશિયાલિસ્ટ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. મંત્રીએ માહિતી આપી હતી કે આ કેસો કોઈ એક ચોક્કસ સ્થળેથી નહીં, પરંતુ વિવિધ વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ સરકારી અને ખાનગી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોને કડક સૂચના અપાઈ છે કે લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન અને વેન્ટિલેટર સુવિધા ધરાવતા ICU માં દાખલ કરવા, જેથી ‘મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર’ જેવી ગંભીર સ્થિતિને અટકાવી શકાય. આ ઉપરાંત, પશુપાલન ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો સઘન છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
કોઈ ચોક્કસ રસી ઉપલબ્ધ નથી, સાવચેતી એ જ શ્રેષ્ઠ બચાવ
હાલમાં ચાંદીપુરા વાયરસ માટે કોઈ ચોક્કસ રસી કે દવા ઉપલબ્ધ નથી. જોકે, નિષ્ણાત તબીબો અને સંશોધકોની વિશેષ ટીમ દ્વારા આ દિશામાં સઘન સંશોધન ચાલી રહ્યું છે. આરોગ્ય મંત્રીએ નાગરિકોને અપીલ કરતા કહ્યું હતું કે, કાચા મકાનો કે માટીની દિવાલોમાં રહેલી તિરાડોનું તુરંત પુરાણ કરાવવું જોઈએ. બાળકોમાં તાવ, ઊલટી, ખેંચ કે અન્ય કોઈ પણ ગંભીર લક્ષણો જણાય તો સમય ગુમાવ્યા વિના તાત્કાલિક નજીકની સરકારી જિલ્લા હોસ્પિટલનો સંપર્ક કરવો.