પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતનું સ્વપ્ન છે કે વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચિપ હોય. સરકાર સેમીકન્ડક્ટર ઉત્પાદનને વધારવા માટે અનેક પગલાં લઈ રહી છે.
ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, ભારતમાં ડેટા સેન્ટરની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. 85 હજાર ટેકનિશિયન્સ અને એન્જિનિયર્સ સેમિકન્ડક્ટર વર્કફોર્સ તૈયાર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આજનો યુગ સિલિકોન ડિપ્લોમસીનો યુગ છે અને ડિઝાઇનિંગની દુનિયામાં ભારતનું 20 ટકા પ્રદાન છે. ભારતનાં ઇલેક્ટ્રોનિક બજારને 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે એમ તેમણે જણાવ્યું હતું.
ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી તકો અંગે તેમણે આ મુજબ જણાવ્યું…
ત્રણ દિવસની આ પરિષદની થીમ છે – “સેમીકન્ડક્ટરનાં ભાવિને આકાર આપવો.” આ પરિષદ ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિને પ્રદર્શિત કરશે જે ભારતને સેમિકન્ડક્ટર માટે વૈશ્વિક હબ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે.
અમારા સંવાદદાતા જણાવે છે કે, સેમિકોન ઇન્ડિયા વૈશ્વિક નેતાઓ, કંપનીઓ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના નિષ્ણાતોને એક મંચ પર લાવશે. કોન્ફરન્સમાં 250થી વધુ પ્રદર્શકો અને 150 વક્તાઓ ભાગ લેશે. ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન માટેનું તંત્ર નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે અને ઇલેક્ટ્રોનિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટેક્નોલોજી ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 2:19 પી એમ(PM)
ભારતનું સ્વપ્ન છે કે વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચિપ હોય – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
