વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને ચીન 2020માં ગલવાન ખીણની અથડામણથી ખરડાયેલા સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તણાવપૂર્ણ સંબંધોથી કોઈ પણ પક્ષને ફાયદો નહીં થાય, મતભેદો વિવાદ ન બનવા જોઈએ અને સ્પર્ધા સંઘર્ષ ન બનવી જોઈએ.ગઈ કાલે નવી દિલ્હીમાં એશિયા સોસાયટીના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. ક્યુંગ-વા કાંગ સાથેની વાતચીતમાં ભારત-ચીન સંબંધો પર બોલતા તેમણે આ ટિપ્પણી કરી હતી.જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે, ગયા વર્ષે ઓક્ટોબરથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં થોડો સુધારો જોવા મળ્યો છે, જેમાં બંને દેશો દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર કામ કરી રહ્યા છે.વિદેશ મંત્રીએ જણાવ્યું કે, ભારત અને અમેરિકા વેપાર પર ખૂબ જ સક્રિય અને સઘન ચર્ચા કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, નવી દિલ્હી અમેરિકા સાથે તેના ઉર્જા સંબંધોને વધારવા પર પણ ધ્યાન આપી રહ્યું છે.તેમણે કહ્યું કે, વેપાર પર અમેરિકા સાથે મુક્ત ચર્ચા થઈ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ દ્વારા આ વર્ષના અંત સુધીમાં દ્વિપક્ષી વેપાર સમજૂતી કરવાના નિર્ણયનું આ પરિણામ છે.
Site Admin | માર્ચ 27, 2025 9:42 એ એમ (AM)
ભારત અને ચીન 2020માં ગલવાન ખીણની અથડામણથી ખરડાયેલા સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે- વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર
