બ્રિસ્બેનમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રીજી ટેસ્ટ મેચ વરસાદને કારણે ડ્રોમાં સમાપ્ત થઈ. રમત બંધ થઈ ત્યાં સુધીમાં ભારતે તેની બીજી ઈનિંગમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 8 રન બનાવ્યા હતા. તે સમયે ભારતને
જીતવા માટે 267 રનની જરૂર હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે મેચનું નિર્ણાયક પરિણામ આવી શક્યું ન હતું. આ પહેલા પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાના 445 રનના જવાબમાં ભારત તેની પ્રથમ ઈનિંગમાં 260રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. 252ના સ્કોરથી આગળ રમતા ભારત પાંચમા દિવસે સવારે માત્ર આઠ રન જ ઉમેરી શક્યું હતું. જસપ્રિત બુમરાહના અણનમ 10 રન અને આકાશ દીપના 31 રનની મદદથી ભારત ફોલોઓન બચાવવામાં સફળ રહ્યું હતું.
ભારત તરફથી કે એલ રાહુલે સૌથી વધુ 84 રન બનાવ્યા જ્યારે રવિન્દ્ર જાડેજાએ 77 રનની ઇનિંગ રમી. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 4 અને મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી. પાંચ મેચોની શ્રેણી હાલમાં 1-1ની બરાબરી પર છે. શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. આ મેચ ડ્રો થયેલી જાહેર થયા બાદ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 106 ટેસ્ટ મેચમાં 537 વિકેટો ઝડપી હતી.
Site Admin | ડિસેમ્બર 18, 2024 2:49 પી એમ(PM)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રોમાં પરિણમી..
