પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઇની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ આજે વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં સિંગાપોરના લાયન સિટી પહોંચ્યા હતા. સિંગાપોરના ગૃહ અને કાયદા મંત્રી કે ષણમુગમે તેમનું સ્વાગત કર્યું હતું. હોટલ ખાતે ભારતીય સમુદાયનાં લોકોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આજે સાંજે સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગે તેમના સત્તાવાર નિવાસસ્થાન શ્રી ટેમાસેક બંગલો ખાતે શ્રી મોદીનાં માનમાં પ્રાઇવેટ ડિનર યોજયું હતું.
આવતી કાલે બંને નેતાઓ ભારત-સિંગાપોર વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરશે તેમજ પરસ્પર હિતો સાથે સંકળાયેલા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અંગે પોતાનાં અભિપ્રાયોની આપલે કરશે. શ્રી મોદી સિંગાપોરના રાષ્ટ્રપતિ અને સિંગાપોરની કંપનીઓના સીઇઓને પણ મળશે.
અગાઉ, આજે ભારત અને બ્રુનેઇએ ટેલિમેટ્રી, ટ્રેકિંગ તથા સેટેલાઇટ અને લોંચ વ્હિકલ્સ માટે ટેલિકમાન્ડ સ્ટેશનની કામગીરીમાં સહકાર સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા.
બંને દેશો બંદર સેરી બેગવાન અને ચેન્નાઇ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા સંમત થયા હતા. શ્રી મોદીએ જણાવ્યું કે, ભારત વિકાસવાદને ટેકો આપે છે, વિસ્તારવાદને નહીં.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 8:12 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઇની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ સિંગાપોર પહોંચ્યા
