ઉત્તર પ્રદેશના ઉર્જા અને શહેરી વિકાસ મંત્રી અરવિંદ કુમાર શર્માએ અમદાવાદમાં પ્રયાગરાજ મહાકુંભ 2025ના પ્રચાર માટે રોડ શો યોજ્યો હતો.
ભવ્ય અને ડિજિટલ રૂપે મહાકુંભનું આયોજન કરવાના માટે ઉત્તરપ્રદેશ સરકાર પ્રતિબદ્ધ છે, તેમ મંત્રી અરવિંદકુમાર શર્માએ આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.. આ વર્ષે મહાકુંભમાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, 44 ઘાટો સહિત રિવરફ્રન્ટ પર ફૂલોની વર્ષા માટે આયોજન કરાયું છે. 2025માં 450 મિલિયનથી વધુ યાત્રાળુઓ, સંતો, સાધુઓ અને પ્રવાસીઓ મહાકુંભમાં આવે તેવી શક્યતા છે. મહાકુંભ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી પ્રયાગરાજમાં યોજાશે.
ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમના પવિત્ર કિનારે 12 વર્ષના અંતરાલ પછી ફરી એકવાર પ્રયાગની પવિત્ર ભૂમિ પર મહાકુંભ યોજાશે. યાત્રિકો, સાધુ-સંતો અને પ્રવાસીઓ માટે આરોગ્ય સેવા વ્યવસ્થાઓ કરાઇ રહી છે. ડીજીટલ સ્વરૂપે પણ વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. ટૂરીસ્ટોની સુવિધા માટે સ્માર્ટ પાર્કિંગ સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે.