વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે, QUAD, સંસ્થાકીય સહકારના તમામ પરંપરાગત મોડલને નકારી કાઢે છે અને તેના કારણે તે ખૂબ જ નવીન છે. નવી દિલ્હીમાં ત્રીજી કૌટિલ્ય આર્થિક સંમેલનમાં એક વાર્તાલાપ દરમિયાન તેમણે કહ્યું કે, એ ફાયદાકારક છે કે ક્વાડ ફક્ત તેના સભ્યોની સ્વતંત્રતા અને સુરક્ષાના હેતુઓ માટે રચાયેલ સંગઠન નથી. તેમણે કહ્યું કે, QUAD હિન્દ-પ્રશાંત ક્ષેત્રના મુખ્ય તંત્રોમાંનું એક છે.
વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત તમામ મોટા દેશો સાથે જોડાયેલું હોય અને વૈશ્વિક રાજકારણ પ્રત્યે વધુ જવાબદારીની ભાવના ધરાવતા દેશ તરીકે જોવામાં આવે તે મહત્વનું છે. આજના સમયમાં જે દેશો પરિવર્તન લાવી શકે છે તેઓએ આમ કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. વિશ્વની સમસ્યાઓ અંગે તેમણે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે વૈશ્વિકરણનું સ્તર એવા તબક્કે પહોંચી ગયું છે જ્યાં કોઈ એક ક્ષેત્રમાં કોઈ ગંભીર સમસ્યાને સમાવી શકવી મુશ્કેલ છે.
સંયુક્ત રાષ્ટ્રના વિષય પર વાત કરતા વિદેશમંત્રીએ કહ્યું કે, આ એક જૂની કંપની જેવી છે જે બજાર સાથે સંપૂર્ણ રીતે તાલમેલ નથી જાળવી રહી.
વિદેશમંત્રીએ કહ્યું કે, કૃત્રિમ બુદ્ધિમત્તા-AI વૈશ્વિક વ્યવસ્થામાં સૌથી ગહન પરિબળ બનશે. તેમણે AI સર્વોપરિતા માટેની વર્તમાન રેસની તુલના શીત યુદ્ધ-યુગના પરમાણુ હથિયારોની રેસ સાથે કરી અને કહ્યું કે, જે કોઈ તેનું નેતૃત્વ કરશે તેને વૈશ્વિક વ્યવસ્થામાં મોટો ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે, કૌટિલ્ય આર્થિક સંમેલનમાં ભારતીય અર્થતંત્ર અને વૈશ્વિક દક્ષિણની અર્થવ્યવસ્થાનો સામનો કરી રહેલા કેટલાક સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરવા માટે આશરે 150 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદો અને નીતિ નિર્માતાઓને એકસાથે લાવે છે.