રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી – NTA દ્વારા પરીક્ષાર્થીઓના પારદર્શી, યોગ્ય અને નિષ્પક્ષ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ બેઠક ગઈકાલે મળી હતી.
સમિતિના અધ્યક્ષ ડૉ. રાધાકૃષ્ણને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાઓ તેમજ સૂચનોને ધ્યાને લેવા – એ સમિતિની પ્રાથમિકતા છે. સમિતિ આ મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરશે. વધુમાં તેમણે કહ્યું કે સમિતિ વિદ્યાર્થીઓની મુશ્કેલી તેમજ તણાવ દૂર કરવા હેતુથી મજબૂત વ્યવસ્થા વિકસાવવા માટે પણ કામ કરશે.
ઉલ્લેખનીય છે કે નીટ-યૂજી પેપર લિક મામલે સરકારે ઇસરોના પૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં સાત સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ પરીક્ષા સુધાર, ડેટા સુરક્ષા પ્રોટોકોલ સહિત NTAના માળખા તેમજ કાર્યપ્રણાલીની સમીક્ષા અને ભલામણો સહિતના કાર્યો કરશે. સમિતિ આગામી બે મહિનામાં શિક્ષણ મંત્રાલયને અહેવાલ સુપરત કરશે.
Site Admin | જૂન 25, 2024 3:12 પી એમ(PM) | NTA