કેન્દ્રીય મંત્રીમંડળે આયુષ્યમાન ભારત પીએમ જનઆરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ 70 વર્ષથી વધુ વયનાં તમામ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય વીમો પૂરો પાડવાની મંજુરી આપી છે. આ માટે 3,437 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગઇકાલે સાંજે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, લાયક વરિષ્ઠ નાગરિકોને નવા વિશષ કાર્ડ જારી કરવામાં આવશે. પીએમ જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાયેલા વરિષ્ઠ નાગરિકને વધારાના પાંચ લાખ રૂપિયાનું ટોપ અપ કવર મળશે. આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે, જેમાં પરિવારને દર વર્ષે પાંચ લાખ રૂપિયાનો વીમો મળે છે. 12 કરોડ 34 લાખ પરિવારો અને 55 કરોડ લોકોને નિઃશુલ્ક મેડિકલ સારવારનો લાભ મળી રહ્યો છે.
દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળે જાહેર પરિવહન સત્તામંડળ દ્વારા ઇલેક્ટ્રિક બસની ખરીદી અને તેને ચલાવવા માટેની પીએમ- ઈ-બસ સેવા-પેમેન્ટ સિક્યોરિટી મિકેનિઝમ- PSM ને પણ મંજૂરી આપી હતી. આ માટે ત્રણ હજાર 435 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2024-25થી 2028-29 દરમિયાન 38 હજારથી વધુ ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીમંડળે બે હજાર કરોડનાં ખર્ચે મિશન મોસમને પણ મંજૂરી આપી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, ભૂ વિજ્ઞાન મંત્રાલય દ્વારા અમલી બનનારી આ યોજનાથી ભારતનાં હવામાન સંબંધિત વિજ્ઞાન, સંશોધન અને સેવાઓને વેગ મળશે.
આ મિશન આબોહવા અને હવામાન અંગેની અત્યંત ચોક્કસ અને સમયસર માહિતી પૂરી પાડશે, જેનો સીધો લાભ કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, સંરક્ષણ, પર્યાવરણ, ઉડ્ડયન, જળ સંસાધન, ઊર્જા, પર્યટન, શિપિંગ, પરિવહન અને આરોગ્ય ક્ષેત્રને થશે.
આ ઉપરાંત મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના-ચારના અમલીકરણ માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયની 70 હજાર કરોડ રૂપિયાની દરખાસ્ત પણ મંજૂરી કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 12, 2024 11:40 એ એમ (AM)
70 વર્ષથી વધુ વયનાં તમામ વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ આપવાનો સરકારનો નિર્ણય
