26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારતમાં પરત મોકલવામાં આવી શકે છે. અમેરિકાની કેલિફોર્નિયા અદાલતે ચુકાદામાં કહ્યું કે, ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ હુમલામાં 160 લોકોના મોત નિપજ્યા હતા. આ ચુકાદો 63 વર્ષીય તહવ્વુર હુસૈન રાણાએ ભારત પ્રત્યાર્પણની શક્યતા સામે કરેલી અપીલ પર આપવામાં આવ્યો હતો. તહવ્વુર હુસૈન રાણા 26/11ના હુમલાના આરોપમાં લોસ એન્જલસની જેલમાં છે. રાણા પાકિસ્તાની મૂળનો અમેરિકન નાગરિક અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે સંકળાયેલો છે. જ્યારે કોલમેન આ હુમલાના મુખ્ય આરોપીઓમાંનો એક છે. રાણા પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે સંબંધ હોવાનો પણ આરોપ છે.