પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વાતંત્ર્ય પર્વની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, આજે એ શુભ ક્ષણ છે, જ્યારે આપણે દેશની આઝાદી માટે પ્રાણની આહૂતિ આપનારા અને આજીવન સંઘર્ષ કરનારા લોકોને યાદ કરીએ. પ્રધાનમંત્રીએ ઉંમેર્યું, અમે કોઈ પણ રાજકીય મજબૂરીના કારણે નહીં, પરંતુ નેશન ફર્સ્ટની ભાવનાની સાથે પરિવર્તન કર્યા છે, જેમાં સૌથી મોટું ઉદાહરણ બેન્કિંગ ક્ષેત્રમાં થયેલું પરિવર્તન છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, આ વર્ષ પ્રાકૃતિક આપત્તિના કારણે જીવ ગુમાવનારા પોતાના પરિવારજનોને ગુમાવનારા પરિવારજનો પ્રત્યે આપણે સંવેદના વ્યક્ત કરીએ છીએ. પ્રધાનમંત્રીએ ઉંમેર્યું, દેશની રક્ષા અને નિર્માણ કરનારા ખેડૂતો, જવાનો, યુવાનો, માતા-બહેનો, વંચિત વર્ગના લોકોની દેશ પ્રત્યેની નિષ્ઠા વિશ્વ માટે પ્રેરણા છે.
પ્રધાનમંત્રી કહ્યું, સર્વોચ્ચ અદાલતે વારંવાર સમાન નાગરિક સંહિતા – UCCની ચર્ચા કરી છે. તેમણે કહ્યું, દેશમાં સાંપ્રદાયિક નાગરિક સંહિતા છે અને તેને ધર્મનિરપેક્ષ બનાવવી જોઈએ.
(ઑડિયો – પ્રધાનમંત્રી – સિવિલ કોડ)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, શિક્ષણ ક્ષેત્રમાં આપણે જૂની નાલંદા ભાવનાને જાગૃત કરવી પડશે અને જ્ઞાનની પરંપરાને આગળ ધપાવવી પડશે. શ્રી મોદીએ કહ્યું, આરોગ્ય શિક્ષણ માટે આપણા દેશના યુવાનો વિદેશમાં જઈ રહ્યા છે. તેમના શિક્ષણ પાછળ લાખો રૂપિયા ખર્ચ થઈ જાય છે. તેમની સુવિધા માટે અમે એક લાખ મેડિકલ સીટ વધારી છે.
(ઑડિયો – પ્રધાનમંત્રી – મેડિકલ સીટ )
પ્રધાનમંત્રીએ ઉંમેર્યું, સરકારે સેમિ-કંડક્ટર મિશન પર કામ કર્યું છે. તેમણે કહ્યું, પ્રતિભા ભારતમાં છે તો ઉત્પાદન પણ ભારતમાં થશે. તેમણે કહ્યું, સરકાર સીક્સ-જી પર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. ફાઈવ-જીની જેમ સિક્સ-જીમાં પણ સમગ્ર વિશ્વમાં સરકાર અગ્રેસર રહેશે.
પ્રધાનમંત્રીએ સંબોધન દરમિયાન તમામ રાજકીય દળોને વન નેશન વન ઇલેક્શન અંગે આગ્રહ કરતા આ મુજબ જણાવ્યું….
(ઑડિયો – પ્રધાનમંત્રી – વન નેશન વન ઇલેક્શન)
પ્રધાનમંત્રીએ દેશવાસીઓને વિકસિત ભારત એટ 2047 માટે આપેલા અનેક સૂચનનો પણ ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું, કેટલાક લોકોએ અવકાશમથક બનાવવાનું સૂચન આપ્યું. કેટલાક લોકોએ પરંપરાગત ઔષધિ અને આરોગ્ય કલ્યાણ ક્ષેત્રમાં વિકસિત દેશ બનવાનું પણ સૂચન કર્યું.
બાંગ્લાદેશ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે, પાડોશી દેશ તરીકે ભારત બાંગ્લાદેશની સ્થિતિને લઈને ચિંતિત છે. તેમણે વહેલી તકે સ્થિતિ સામાન્ય થવાની પણ આશા વ્યક્ત કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું, મહિલાઓ પર અત્યાચારના કારણે દેશમાં રોષ છે. મહિલાઓની સાથેના ગુનાઓની ઝડપથી તપાસ અને આરોપીઓને ઝડપથી સજા થવી જોઈએ.
પ્રધાનમંત્રીએ કહ્યું, લોકોનું જીવન સરળ બનાવવા માટે બિનજરૂરી કાયદાને રદ કરવામાં આવ્યા છે. લોકોને ન્યાય અપાવવા માટે નવા કાયદા લાવી છે.
Site Admin | ઓગસ્ટ 15, 2024 2:05 પી એમ(PM) | સ્વાતંત્ર્ય પર્વ