રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ એટલે કે, વાઈરલ એન્કેફેલાઈટીસના શંકાસ્પદ કુલ કેસની સંખ્યા 137 એ પહોંચી છે. આમાંથી કુલ 51 કેસ પોઝિટિવ મળ્યા છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાઈરસના કારણે 56 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે 29 દર્દી સારવાર હેઠળ તો 52 દર્દીને રજા આપવામાં આવી છે.
આરોગ્યની ટુકડી પણ પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓના ઘરે અને આસપાસના વિસ્તારના ઘર મળી કુલ 45 હજાર 215 ઘરમાં દેખરેખની કામગીરી કરી રહી છે.
પંચમહાલ જિલ્લામાં અસરગ્રસ્ત બાળકો પૈકી સાત બાળકના મૃત્યુ નિપજવા ઉપરાંત ચાંદીપુરા વાઈરસ કેસનો રિપોર્ટ પોઝિટિવ આવતાં દિલ્હીની નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલની ટુકડી અહીં પહોંચી છે. ટુકડીના ચાર સભ્યોએ ગોધરા અને મોરવા-હડફ તાલુકાના 2 અસરગ્રસ્ત બાળકોના વિસ્તારની મુલાકાત લઈ તપાસ કરી હતી. આ પહેલાં પુણેની ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલૉજીની ટુકડી પણ અહીં પહોંચી હતી.
રાજકોટ શહેરમાં ચાંદીપુરાના આઠ નમૂનામાંથી પાંચ નેગેટિવ, એક પોઝિટિવ આવ્યા છે. જ્યારે 2 દર્દીના રિપોર્ટ આવવાના હજી બાકી છે. ચાંદીપુરાના કેસને જોતા આરોગ્ય વિભાગની ટુકડીએ 1 હજાર 400થી ઘરમાં તપાસ હાથ ધરી છે.
Site Admin | જુલાઇ 31, 2024 11:00 એ એમ (AM) | Chandipura | Gujarat
રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ શંકાસ્પદ કેસની સંખ્યા 137 પર પહોંચી, અત્યાર સુધીમાં 56 દર્દીના મોત
