હિમાચલ પ્રદેશના શિમલા, મંડી અને કુલ્લુ જિલ્લામાં આભ ફાટવાની ઘટનામાં ખોવાયેલાં લોકોની શોધખોળ આજે ચોથા દિવસે પણ યથાવત્ છે. રાજ્યમાં આભ ફાટવાની ઘટનાઓમાં શિમલા જિલ્લાના રામપુરના 36 લોકો સહિત કુલ 44 લોકો હજી પણ ગુમ છે.
NDRF અને SDRFની ટુકડીઓ ગુમ થયેલા લોકોને શોધવા લાઈવ ડિટેક્ટર ઉપકરણો સાથે કામ કરી રહ્યા છે. શિમલા જિલ્લાના નાયબ કમિશનર અનુપમ કશ્યપે જણાવ્યું કે જાહેર બાંધકામ વિભાગ, જળ શક્તિ અને ખાદ્ય અને પુરવઠા વિભાગને અસરગ્રસ્ત સ્થળોએ આવશ્યક સેવાઓ પ્રદાન કરવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, આદિવાસી જિલ્લા લાહૌલ-સ્પીતિના દારચા-શિંકુલા રોડ પર મોડી રાત્રે આભ ફાટવાના કારણે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના બે પુલને નુકસાન થયું હતું. જેના કારણે દારચા-શુંકલા-ઝંસકાર રોડ પર વાહનવ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.